ગાંધીધામમાં વગદારો પૂરતી માર્ગમરંમત થવા માંડતાં રહેવાસીઓએ કામ અટકાવ્યું

ગાંધીધામમાં વગદારો પૂરતી માર્ગમરંમત થવા માંડતાં રહેવાસીઓએ કામ અટકાવ્યું
ગાંધીધામ, તા. 14 : શહેરના 6-બી ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર અને 9 એ.ઇ. વચ્ચે આવેલો મુખ્ય માર્ગ વર્ષોથી ખસ્તા હાલતમાં છે જે અંગે સ્થાનિક લોકોએ વખતોવખત લેખિત, મૌખિક રજૂઆતો કરી છે છતાં તેનું કામ થયું નથી. તેવામાં પાલિકામાં પોતાને એમ.ડી. મનાવતા કોઇ નગરસેવકે ત્યાં અમુક જગ્યાએ  પેચવર્કનું કામ શરૂ કરાવતાં સ્થાનિક લોકોએ ડખો કરી આ કામ બંધ કરાવ્યું હતું.  શહેરના 9 એ.ઇ. વિસ્તારમાં ડી.એન.વી. કોલેજ સામે આવેલા મુખ્ય માર્ગ ઉપર કૂવા જેવો ખાડો પડી ગયો છે. અહીંથી પસાર થનારા વાહનચાલકોને પોતે ઊંટ ઉપર બેઠા હોય તેવો અહેસાસ થતો હોય છે. આ અંગે સ્થાનિક લોકોએ અનેક વખત પાલિકાના દરવાજા ખખડાવ્યા છે પરંતુ પાલિકાએ અહીંના લોકો માટે ક્યારેય દરવાજા ખોલ્યા નથી જેથી આ માર્ગનું કામ વર્ષોથી થયું જ નથી. તેવામાં અચાનક આ માર્ગ ઉપર પેચવર્કનું કામ કરવા સાફસફાઇ કરાતાં સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ અહીં એક સેન્ટર બન્યું છે. ટૂંક સમયમાં તેનું ઉદ્ઘાટન છે જેથી માત્ર આ સેન્ટર સુધી સીમિત પેચવર્કનું કામ કરાતું હતું. જે લોકોએ અટકાવ્યું હતું અને આખો રોડ નવો બનાવવાની પોતાની જૂની માંગ રજૂ કરી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ પાલિકામાં પોતાને એમ.ડી. માનતા પૂર્વ હોદ્દેદાર અને હાલના નગરસેવકના ઇશારે આ કામ કરાવાતું હતું. પરંતુ ડખાનાં પગલે આ કામ અટકી ગયું હતું. વધુમાં સૂત્રોએ ઉમેર્યું હતું કે આ સેન્ટરની આગળ પાલિકાના પૈસાથી જ પેવર બ્લોકની કામગીરી કરવામાં આવી છે.  લોકોના પૈસાથી તાગડધિન્ના કરનારા આવા અનેક લોકો મલાઇદાર થઇ ગયા હોવાનું જણાવાયું હતું. સ્થાનિક લોકોએ આ મુજબ માર્ગ ત્વરિત બનાવી આપવાની માંગ ફરીથી કરી હતી. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer