સિદ્ધાર્થ પટેલ વધુ બે દિ'' પોલીસના રિમાન્ડમાં આવ્યો

ગાંધીધામ, તા. 14 :જયંતી ભાનુશાલી હત્યા પ્રકરણમાં મૂળ ફરિયાદમાં જેમના નામ હતા તેવા સિદ્ધાર્થ પટેલને આજે ભચાઉની કોર્ટમાં રજૂ કરાયો હતો. તેના વધુ બે દિવસના રિમાન્ડ આપવામાં આવ્યા હતા. પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાલીની હત્યાના બનાવમાં મુખ્ય કાવતરાખોર તરીકે છબીલ પટેલ તથા તેમના પુત્ર સિદ્ધાર્થ પટેલ, મનીષા ગોસ્વામી સહિતના લોકોના નામ આપવામાં આવ્યા હતા. આ બનાવમાં અગાઉ શાર્પશૂટરો અને પાયાના પથ્થર સમાન કાંબલેની પણ ધરપકડ કરવામાં આવી હતી તેમજ બાદમાં સિદ્ધાર્થ પટેલની પણ અટક કરવામાં આવી હતી અને તેના રિમાન્ડ  મેળવીને સીટની ટીમે તેની પૂછપરછ હાથ ધરી હતી. દરમ્યાન આજે તેના રિમાન્ડ પૂર્ણ થતાં હોઈ ભચાઉની કોર્ટમાં વધુ 7 દિવસના રિમાન્ડની  માંગ સાથે તેને રજૂ કરાયો હતો.  પરંતુ  સિદ્ધાર્થના બે દિવસના રિમાન્ડ મેળવવામાં સીટની ટીમ સફળ રહી છે. છબીલ પટેલના પુત્ર એવા સિદ્ધાર્થની પૂર્ણરૂપે પૂછપરછ થઈ શકી ન હોવાથી આ બે દિવસ દરમ્યાન તેની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer