ગાંધીધામ ઇ-ધરાના મહિલા કોમ્પ્યુટર ઓપરેટરને ચાર વર્ષની જેલની સજા

ગાંધીધામ, તા. 14 : શહેરની મામલતદાર કચેરીના ઇ-ધરા કેન્દ્ર વિભાગમાં કાચી નોંધ અને જમીન પોતાના નામે ચડાવવા રૂા.1000ની લાંચ લેતા ઝડપાયેલા મહિલા કોમ્પ્યુટર ઓપરેટર ડીમ્પલ ઠક્કરને અહીંની કોર્ટે ચાર વર્ષની કેદ અને રૂા. 20,000નો દંડ  ફટકારી ધાક બેસાડતો ચુકાદો આપ્યો હતો. શિણાયમાં રહેતા હરજી કરશન વાણિયાએ ગત તા. 22-6-2011ના આ અંગે ગાંધીધામની લાંચ રૂશ્વત વિરોધી બ્યૂરો કચેરીમાં ફરિયાદ કરી હતી. આ ફરિયાદીના ગામના શામજી હડિયા તેમના પોતાના ભાઇ દેવજી હડિયાના નામની વારસાઇ નોંધ કરવા અંગેની અરજી સોગંદનામાની સાથે ઇ-ધરામાં આપી રેકર્ડમાં નોંધ કરવા આ ફરિયાદીને આપી હતી. આ અરજી મામલતદાર કચેરીમાં ઇ-ધરા કેન્દ્રમાં જઇ ફરિયાદીએ નાયબ મામલતદાર મધુસુદન જીવણદાન પરમારને આપી હતી. ત્યારે 10 દિવસ પછી કોમ્પ્યુટર ઓપરેટર ડિમ્પલબેન શાંતિલાલ ઠક્કર પાસેથી કાચી નોંધ નકલ લઇ જવા જણાવાયું હતું. બાદમાં હીરજી વાલજી વાણિયાએ પોતાના ભાઇ પ્રેમજી વાલજી વાણિયાના નામે આવેલી જમીન પોતાના નામે ચડાવવા આ ફરિયાદીને અરજી આપી હતી. દરમ્યાન આ ફરિયાદી હરજી વાણિયા અરજી લઇને મામલતદાર કચેરીમાં નોંધ કરાવવા ગયા હતા. જ્યાં નાયબ મામલતદાર મધુસુદન પરમારે પાંચ દિવસ બાદ કોમ્પ્યુટર ઓપરેટર ડિમ્પલબેન પાસેથી કાચી નોંધની નકલ લઇ જવા કહ્યું  હતું. આ ફરિયાદી ગત તા. 22-6-2011ના ઇ-ધરા કેન્દ્રમાં કાચી નોંધની ઉતારાની નકલ લેવા ગયા હતા જ્યાં કોમ્પ્યુટર ઓપરેટર ડિમ્પલબેન ઠક્કરે એક નોંધના 500 એમ બે નોંધના રૂા. 1000ની માંગ કરી હતી. જે અંગે એ.સી.બી.માં ફરિયાદ કરાયા બાદ તા. 23-6ના છટકું ગોઠવવામાં આવ્યું હતું. જ્યાં નાયબ મામલતદાર પરમારે ઇશારો કરતાં ડિમ્પલબેન રૂા. 1000ની લાંચ સ્વીકારતા રંગે હાથ ઝડપાઇ ગયા હતા. આ બનાવમાં જુદી જુદી કલમો તળે ગુનો નોંધાયા બાદ અહીંની કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. આ કેસમાં ચાર સાહેદ અને 12 દસ્તાવેજી પુરાવા ચકાસી ન્યાયાધિશ આર.જી. દેવધરાએ આ હંગામી કોમ્પ્યુટર ઓપરેટરને તકસીરવાન ઠેરવ્યા હતા. અને જુદી જુદી કલમો તળે 4 વર્ષની કેદ તથા રૂા. 20,000નો દંડ તથા દંડ ન ભરે તો વધુ કેદની સજાનો ધાક બેસાડતો ચુકાદો આપ્યો હતો. જ્યારે નાયબ મામલતદાર મધુસુદન પરમારને શંકાનો લાભ આપીને મુક્ત કરાયા હતા. આ કેસમાં સરકાર પક્ષે સરકારી વકીલ કુ. હિતૈષીબેન ગઢવી હાજર રહ્યા હતા. આવા ચુકાદાથી ભ્રષ્ટ સરકારી બાબુઓ અને કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો હતો. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer