વિશ્વકપ પૂર્વે ભારતની હારથી સવાલો

નવી દિલ્હી, તા.14 : ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ આખરી વન-ડેમાં ટોસ વખતે કહ્યું હતું કે, ભારત વર્લ્ડકપ માટેની પ્લેઇંગ ઇલેવનની ઘણી નજીક છે. બીજી તરફ ફિરોઝ શાહ કોટલામાં રમાયેલી આ મેચમાં ભારતની ઓસ્ટ્રેલિયા સામે 3પ રનની હારથી અનેક સવાલ ઉઠયા છે. ઓસ્ટ્રેલિયાએ આ પહેલાં 2009માં ભારતમાં દ્વિપક્ષી શ્રેણી જીતી હતી. એટલું જ નહીં પ્રવાસી ટીમે 0-2થી પાછળ રહ્યા બાદ વન-ડે શ્રેણી કબ્જે કરી ઇતિહાસ રચ્યો છે. બીજી તરફ ભારતીય ટીમ એવું બીજીવાર બન્યું છે કે 2-0થી આગળ રહ્યા બાદ શ્રેણી ગુમાવી હોય. ઇંગ્લેન્ડમાં 30 મેથી શરૂ થઇ રહેલા વર્લ્ડકપ પહેલાંની આ આખરી વન-ડે સિરીઝ હતી. જેમાં દુનિયાની બીજા નંબરની ભારતીય ટીમ ઘરેલુ પરિસ્થિતિનો ફાયદો ઉઠાવવામાં નિષ્ફળ રહી છે. 23 એપ્રિલ સુધીમાં વર્લ્ડકપના 1પ ખેલાડી જાહેર કરવાના છે. જે માટે કેપ્ટન વિરાટ કોહલી અને કોચ રવિ શાત્રી પાસે 40 દિવસનો સમય છે. ઓસી. સામેની શ્રેણીમાં ભારતની નબળી બેટિંગ લાઇનઅપની ખામીઓ સામે આવી ચૂકી છે. નંબર ચાર અને પાંચના સ્થાન હજુ ખાલી જ છે. આ સ્થાન પરના બે મુખ્ય દાવેદાર રાયડુ અને રાહુલને દિલ્હી વન-ડેની ટીમમાં સામેલ કરાયા ન હતા. પંતને મોકો મળ્યો પણ, તે હોમ ગ્રાઉન્ડ પર ફકત 16 રન જ કરી શક્યો. નંબર પાંચ પર વિજય શંકર ખાસ કાંઇ કરી શક્યો નથી. વિવેચકો મિડલ ઓર્ડરમાં ટેસ્ટ સ્ટાર અંજિકયા રહાણેમાં ઇંગ્લેન્ડની ટિકિટ મળે તેવી દલીલ કરી રહ્યા છે. રાયડુ અને રાહુલ કરતા રહાણે ઇંગ્લેન્ડની વિકેટો પર વધુ ભરોસાપાત્ર ગણી રહી રહ્યા છે. વન-ડેમાં પાછલા બે વર્ષની વાત કરીએ તો ભારતીય ટીમ લક્ષ્યનો પીછો કરતા જે 10માંથી 7 મેચ જીતી છે તેમાં  દિનેશ કાર્તિક અણનમ રહ્યો છે. આ દરમિયાન જો રૂટ (9) અને કોહલી-ધોની (8) વધુ સારા રહ્યા. આથી પંત કરતા કાર્તિકના માર્ક વધી રહ્યા છે. ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણી દરમિયાન બોલિંગની નબળાઇ પણ સામે આવી છે. બુમરાહ, કુલદીપ અને ચહલની હાજરીમાં મોહાલીમાં ભારત 3પ9 રનનો લક્ષ્ય બચાવી શકી ન હતી.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer