આકાશવાણી ભુજ પરથી સિંધી કાર્યક્રમનું નિર્માણ બંધ

આદિપુર, તા. 14 : સિંધી ભાષા અને સંસ્કૃતિના રખોપાં અને પ્રચાર-પ્રસાર માટે 1965થી આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી રજૂ કરવામાં આવતો સિંધી કાર્યક્રમ આગામી સાતમી એપ્રિલથી બંધ કરાઇ રહ્યો હોવાનું અધિકૃત સૂત્રોએ જણાવતાં સિંધી પ્રજામાં ભારે નારાજગી પ્રવર્તી છે. સિંધી કાર્યક્રમો હવે ભુજ આકાશવાણીમાં નિર્માણ કરવામાં આવશે નહીં, પણ જે કાર્યક્રમો અમદાવાદ કેન્દ્ર પર તૈયાર કરવામાં આવે છે તે આઇટેમો ભુજ કેન્દ્ર પરથી માત્ર પ્રસારિત જ કરવામાં આવશે જેને પગલે કચ્છમાં વસતા સિંધી સંગીતના કલાકારો તથા રચનાકારો માટે `આવાજની દુનિયા' બંધ થવાના ભણકારા શરૂ થઇ ગયા છે. ભુજ ખાતે કાર્યરત સિંધી ઉદ્ઘોષકોને તા. 7/4/19થી ફરજ પર હાજર નહીં થવા મૌખિક રીતે જણાવી દેવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પર પણ સિંધી કાર્યક્રમનું નિર્માણ બંધ કરી દેવાયું છે અને હવે જયપુર કેન્દ્ર ખાતે નિર્મિત કાર્યક્રમો જ દિલ્હી કેન્દ્ર પરથી રિલે કરવામાં આવે છે. દિલ્હીમાં કાર્યરત બે અધિકારીઓની જયપુર બદલી કરી દેવાઇ છે અને તેઓ નિવૃત્તિ સુધી ત્યાં કાર્ય કરશે પછી શું થશે તે કોઇ જાણતું નથી. ભાગલા બાદ કચ્છમાં સિંધીઓના વસવાટ માટે બે જોડિયા નગરો આદિપુર તથા ગાંધીધામનાં નિર્માણ કરવામાં આવ્યાં છે. ઉપરાંત બન્નીમાં પણ સિંધી મુસ્લિમની ખાસ્સી એવી વસતી છે. સરહદ પારથી થતા સાંસ્કૃતિક આક્રમણને ખાળવા માટે તથા સ્થાનિક કલાકારોના સંવર્ધન માટે કચ્છમાં ભુજ ખાતે 1965માં સિંધી કાર્યક્રમને આકાશવાણીમાં સ્થાન આપવામાં આવ્યું હતું. અત્યારે દરરોજ સાંજે 5.30થી 5.45 દરમ્યાન (પણ બુધવારે રાત્રિના 9.30થી 10.00) સિંધી કાર્યક્રમ રજૂ કરવામાં આવે છે. આ કાર્યક્રમ જેમાં સંગીત-ગીત, વાર્તાલાપ, મુલાકાત, પુસ્તક સમીક્ષા, વિવિધ મંડળો-શાળાઓના બાળકો દ્વારા તૈયાર કાર્યક્રમ રજૂ કરવામાં આવે છે, જેને કારણે કચ્છના અનેક સાહિત્યકારો તથા કલાકારોને પોતાની પ્રતિભા દર્શાવવાની તક મળે છે અને હવે એ રસ્તો બંધ થતાં લોકો નારાજગી પ્રગટ કરવા માંડયા છે. સિંધી કાર્યક્રમ માટે વધુ સમય ફાળવવાને બદલે હવે તેનું ગળું જ ટૂંપી દેવાનો આ પ્રયાસ સિંધી ભાષાના વિકાસ તથા મૌખિક સંસ્કૃતિ પર ગંભીર અસર નીપજાવશે તેવું ગાંધીધામના સાક્ષરે જણાવ્યું હતું. બંધારણીય રીતે સિંધી ભાષાને 10મી એપ્રિલ 1967ના માન્યતા પ્રાપ્ત થયેલી છે. આકાશવાણી ભુજ પરથી સિંધી કાર્યક્રમ બંધ થતાં સિંધી ભાષા પર `પડયા પર પાટુ' જેવી સ્થિતિ નિર્મિત થશે. ભુજ આકાશવાણી પોતાના સિંધી કાર્યક્રમોને બદલે અમદાવાદના સિંધી કાર્યક્રમો રજૂ કરશે એ પ્રકારનો એક સૂચના પત્ર (પ્રપોઝલ) દિલ્હી ખાતે સંબંધિત નિર્દેશકને પણ મોકલી અપાયો છે. આ સંદર્ભે ગાંધીધામ સંકુલમાં કાર્યરત સિંધી સંસ્થાઓ પણ સિંધીયતને બચાવવા સરકાર સામે બાંયો ચડાવવા મેદાનામાં ઊતરી  રહી હોવાનું  જાણવા મળ્યું છે.અમુક સૂત્રોનું માનીએ તો સરકાર  ક્રમશ: ભુજ આકાશવાણીને તાળાબંધી કરી અને માત્ર રિલે (પ્રસારણ) કેન્દ્રમાં પરિવર્તિત કરવાની પેરવીમાં છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer