ચકચારી જમીન કેસમાં હાઇકોર્ટની મામલતદારને મળી આંશિક રાહત

ભુજ, તા. 14 : શહેરને અડીને મિરજાપર ગામની હદમાં આવેલી કિંમતી જમીન બાબતે ચાલી રહેલા વિવાદમાં નોંધાયેલા ફોજદારી ગુનાના કેસમાં આરોપીઓ પૈકીના જે-તે સમયના મામલતદાર બી. એમ. રોહિત સામે તેમના આગોતરા જામીનની સુનાવણી પૂર્ણ ન થાય ત્યાં સુધી પોલીસ ધરપકડની કાર્યવાહી ન કરે તેવો આદેશ રાજ્યની વડી અદાલત દ્વારા કરાયો હતો. આ જમીનકેસ બાબતે ગત જાન્યુઆરી મહિનામાં હાઇકોર્ટના આદેશના પગલે ગુનો નોંધાયા બાદ આરોપીઓ પૈકીના ચાર જણના આગોતરા જામીનની અરજી જિલ્લા અદાલતે નામંજૂર કરી હતી. આ ચાર તહોમતદારો પૈકીના જે-તે સમયના મામલતદાર બી. એમ. રોહિત માટે હાઇકોર્ટ સમક્ષ આગોતરા જામીન માટે ધા નખાઇ છે. આ દરમ્યાન હાલતુરત તેમના માટે  રાહતરૂપ એવો આ આદેશ કરાયો છે. મળતી માહિતી મુજબ હાઇકોર્ટના ન્યાયાધીશ વિપુલ એમ. પંચોલી દ્વારા એવો આદેશ કરાયો હતો કે શ્રી રોહિતના આગોતરા જામીન બાબતની સુનાવણી જ્યાં સુધી પૂર્ણ ન થાય ત્યાં સુધી તેમની સામે પોલીસ ધરપકડ સહિતની કોઇ કાર્યવાહી હાથ ધરે નહીં. આ સુનાવણીમાં હાલે ભરૂચ જિલ્લામાં મામલતદાર તરીકે ફરજ બજાવતા આ મહેસૂલી અધિકારી વતી હાઇકોર્ટમાં વકીલ તરીકે અંકિત શાહ અને સ્થાનિકે વકીલ તરીકે સંદીપ કે. શાહ સાથે એસ. આર. બુદ્ધભટ્ટી અને એસ. એમ. ખન્ના રહ્યા હતા.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer