દિલ્હી નજીક ચાલતી ટ્રેને કચ્છી મહિલાનું પાકિટ લૂંટી ગઠિયો કૂદ્યો

હરિદ્વાર, તા. 14 : ભુજથી રેલવે માર્ગે ધાર્મિક કારણોસર હરિદ્વારની યાત્રાએ નીકળેલા સંઘના કચ્છી મહિલાનું દિલ્હી સ્ટેશન પાસે વહેલી સવારે પ્રવાસીઓની હાજરીમાં જ કોઈ હરામખોર પર્સની ચોરી કરીને ચાલુ ટ્રેનમાંથી કૂદીને ભાગી છૂટતાં ચકચાર ફેલાઈ હતી. સંઘમાં સાથે હરિદ્વાર ગયેલા  કચ્છમિત્રના પ્રતિનિધિ વસંત અજાણીએ જણાવ્યું કે, સેજલ રવીન્દ્ર અજાણી નામની મહિલા પ્રવાસી અમદાવાદથી હરિદ્વાર યોગા એક્સપ્રેસ ટ્રેનમાં કોચ નં. એસ-6માં મુસાફરી કરી રહી હતી ત્યારે વહેલી સવારે દિલ્હી નજીક આ ઘટના બની હતી. પર્સમાં કિંમતી નવો મોબાઈલ ફોન, પાંચેક હજાર રોકડા, દવા સહિતની ચીજો ચોરાઈ હતી. રેલવે પોલીસના બંદોબસ્ત વચ્ચે ચોરી થતાં મુસાફરોમાં આક્રોશ વ્યાપી ગયો હતો. અહીં ઉલ્લેખનીય છે કે, જે રીતે એક સમય મુંબઈ કચ્છની ટ્રેનોમાં પાસ હોલ્ડરનો ત્રાસ રહેતો હતો એવો ત્રાસ અમદાવાદથી હરિદ્વાર જતી ટ્રેનમાં પણ જોવા મળ્યો હતો. મેરઠ, સહારનપુર, દેવબંદ, મુઝ્ઝફરનગર વિ.ના પાસ હોલ્ડરો સીટ પર બેસી જતા હોવાથી મુશ્કેલી સર્જાય છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer