અંજાર-ખારાપસવારિયા પ્રધાનમંત્રી સડક ઉપર ખુલ્લેઆમ થયા દબાણ!

ગાંધીધામ,તા.14 : અંજાર બાયપાસ અને અંજારથી ખારાપસવારિયા મેઈન રોડ ઉપર થયેલા ગેરકાયદે દબાણો અને બાંધકામ ઉપર ત્વરિત કાર્યવાહી કરવા ખારાપસવારિયા ગ્રામ પંચાયત દ્વારા જિલ્લા સ્તરે રજૂઆત કરવામાં આવી છે. માર્ગ મકાન વિભાગના કાર્યપાલક  ઈજનેરને પાઠવેલા પત્રમાં  સરપંચ ધનીબેન રબારીના જણાવ્યા પ્રમાણે વેલ્સપન સર્કલથી ભુજ ચાર રસ્તાને જોડતા માર્ગમાં સરકારી માલિકીની જમીનમાં અને હાઈવે તથા ખારાપસવારિયા જતી પ્રધાનમંત્રી સડક ઉપર ખુલ્લેઆમ ભાડુઆત માથાભારે તત્ત્વોને ભાડે આપી દબાણ કરવામાં આવ્યું છે. દબાણ કરાવનારા માથાભારે તત્ત્વોના નામજોગ કરાયેલી અરજીમાં જણાવ્યા પ્રમાણે આ દબાણો સામે માર્ગ મકાન વિભાગના અધિકારીઓ આવ્યા હતા તેઓને પણ આ ભૂમાફિયાઓએ ધાકધમકી કરી ભગાડી મૂકયા હતા. આ બન્ને હાઈવે ઉપરનું ગેરકાયદે દબાણ તાત્કાલીક અટકાવવા ભારપૂર્વકનો અનુરોધ કરાયો છે. જો આ અંગે કોઈ કાર્યવાહી નહીં કરાય તો જલદ  આંદોલનાત્મક કાર્યક્રમો અપાશે તેવી ચીમકી પત્રમાં આપવામાં આવી છે. પત્રની નકલ રાજ્યના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, રાજયમંત્રી વગેરેને પણ પાઠવી રજૂઆત કરવામાં આવી છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer