ડીપીટીની મજૂર વિરોધી નીતિ સામે એચ.એમ.એસ યુનિયન આંદોલન છેડશે

ગાંધીધામ.તા.14: ટ્રાન્સપોર્ટ એન્ડ ડોક વર્કર્સ યુનિયન એચ.એમ.એસ કંડલાના વરિષ્ઠ હોદેદારોની તાજેતરમાં યોજાયેલી બેઠકમાં ડીપીટી પ્રશાસનની મજૂર વિરોધી નીતિઓ સામે   ભારે આક્રોશ વ્યકત કરાયો હતો. આ બેઠકમાં કામદારોના મહત્ત્વના  પ્રશ્નો અંગે પ્રશાસનને ફરી પત્ર લખી માગણીઓના ઉકેલ માટે ત્વરિત ચેરમેન કક્ષાએ બેઠક યોજવાની માંગ કરવા નિર્ણય લેવાયો હતો. યુનિયનના મહામંત્રી મનોહર બેલાણીના જણાવ્યા પ્રમાણે ચાલુ ફરજ દરમ્યાન અવસાન પામેલા કર્મચારીના વારસદારોને બોર્ડ  દ્વારા પાસ કરાયેલી યોજના પ્રમાણે નોકરી અપાતી નથી અને એક વર્ષથી કોઈ પણ આવા વારસદારોને નોકરી આપવામાં આવી નથી. ચાલુ ફરજે અવસાન પામેલા કર્મચારીઓના પરિવારજનો હાલ ભારે હાલાકી ભોગવી રહ્યા છે. પરંતુ પોર્ટ સત્તાધિશો આ અંગે ભારત સરકારના નિયમ પ્રમાણે તથા તેમના બોર્ડે પાસ કરેલી યોજનાના અમલીકરણ માટે તૈયાર નથી. પ્રશાસનની આ મજૂર વિરોધી નીતિનો  ભારે વિરોધ કરાશે. 2004-2005થી કેટલાક કામદારોના વારસદારોને કાચા કામદાર તરીકે નોકરી આપવામાં આવી હતી. કેન્દ્ર સરકાર અને બોર્ડ દ્વારા  લેવાયેલા નિર્ણય મુજબ  ખાલી જગ્યાઓની પાંચ ટકા જગ્યા પ્રમાણે દરેક વર્ષે કાચા કામદારોને પાકા કરવામાં આવતા હતા તે પ્રથા પણ બંધ કરાતાં  50 જેટલા કાચા કામદારોને પણ અન્યાય કરાઈ રહ્યો છે. બીજી બાજુ 136 કાચા કામદારોને બોર્ડ દ્વારા નિર્ણય લઈ સામાજિક સુરક્ષાના લાભાર્થે પેન્શન યોજના, સમૂહ વીમા યોજના, અમુક રજાઓ મેડિકલ સુવિધાઓ  આપવામાં આવી છે. પરંતુ આ યોજનાથી પણ 50 જેટલા કાચા કામદારો જેઓ વારસદારો તરીકે નોકરી કરે છે તેમને વંચિત રાખવામાં આવ્યા છે. કાચા કામદારોમાં પણ ભાગલા કરી એક જૂથને અન્યાય કરાયો છે. યુનિયને માગણી કરી છે કે જ્યાં સુધી આ કામદારોને પાકા કરવામાં ન આવે ત્યાં સુધી સામાજિક સુરક્ષાના લાભો ન આપવામાં આવે. જો પ્રશાસન  આ મુદાઓ અંગે ચર્ચા કરી યોગ્ય નિર્ણય નહીં કરે તો યુનિયન દ્વારા 4 એપ્રિલથી આંદોલન શરૂ કરવામાં આવશે.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer