કચ્છમાં `માઇક્રો ફિક્શનની મહેફિલ'' અંગે ત્રણ કાર્યક્રમો યોજાયા

રાજકોટ, તા. 14 : કચ્છ જિલ્લામાં રાજકોટના કવિ પારસ એસ. હેમાણી, રીડ ગુજરાતી અને અક્ષરનાદ વેબસાઇટ ચલાવતા જિજ્ઞેશ અધ્યારુ અને સર્જન પરિવારના સભ્યો દ્વારા `માઇક્રો ફિક્શનની મહેફિલ' અંતર્ગત માઇક્રો ફિક્શનની વાર્તાની સમજણ, ચર્ચા અને પઠનના ત્રણ કાર્યક્રમો યોજાયા હતાં. અગાઉ અમદાવાદ, રાજકોટ, ભરૂચ, સુરેન્દ્રનગર અને સુરતમાં કાર્યક્રમો યોજાયા હતાં. દરમ્યાન, તા. બે માર્ચના બપોરે 4 થી 6 મ. વિજયરાજજી સાર્વજનિક ગ્રંથાલય,હમીરસરના કાંઠે, ભુજ અને તા. 3 માર્ચના સવારે 10 થી 12 સરસ્વતી શિશુમંદિર, બારોઇ રોડ, મુંદરા અને સાંજે 6 થી 8 સિક્રો અકાદમી, સંતોષી માતાના મંદિર પાસે, આદિપુર ખાતે કાર્યક્રમ યોજાયા હતા. આ કાર્યક્રમમાં લેખક માવજીભાઇ મહેશ્વરી અને અજય સોની હાજર રહ્યા હતા. આ તકે જિજ્ઞેશ અધ્યારુએ માઇક્રો ફિક્શનની સમજ આપી હતી, જ્યારે અંકુર બેંકરે લઘુકથા અને માઇક્રો ફિક્શન વચ્ચેનો ભેદ સ્પષ્ટ કર્યો હતો. ત્યારબાદ દરેક સર્જકોએ પોતપોતાની બે-બે વાર્તાઓનું પઠન કર્યું હતું. નાટય કલાકાર પ્રદીપ જોશીએ એકપાત્રીય અભિનયથી સૌને મુગ્ધ કર્યા હતા, જ્યારે કાર્યક્રમનું સંચાલન રાજુ ઉત્સવ, હેમલબેન દવે અને લેખિકા નીલમબેન દોશી દ્વારા કરાયું હતું. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer