વિકાસના કાંગરા વચ્ચે કુદરતની થપાટનો વલોપાત

વિકાસના કાંગરા વચ્ચે કુદરતની થપાટનો વલોપાત
નવીન જોશી દ્વારા
ભુજ, તા. 13 : આકાશને આંબતી પવનચક્કીઓ, વિશાળ પટમાં પથરાયેલા ઔદ્યોગિક ઊંચા બાંધકામો, અઢી-ત્રણ-ચાર ચાર કિ.મી. સુધી કલિન્કર રૂપી કાચા સિમેન્ટ માલને જેટી તરફ લઈ જતા કન્વેયર બેલ્ટ, ચકચકિત કાળા રસ્તા અને તેની વચ્ચોવચ્ચ તથા ડાબે જમણે નેતાજીઓના લિબાસ જેવા ધોળા ધોળા પટ્ટા, એ કાળી ડિબાંગ સડકો અને સફેદપોશ પટ્ટાની વચ્ચે દોડતી અદ્યતન કારો કે 40-60-82 પૈડાવાળી ટ્રકો, એ ટ્રકોમાં લાખો રૂપિયાની કિંમતનો સિમેન્ટ અને તેના વળી કરોડો કરોડના વીમા... તમને થશે કે આ બધી શેની રામાયણ માંડી છે તો અફસોસ સાથે લખવું પડે છે કે આજે આપણે દુષ્કાળગ્રસ્ત અબડાસા તાલુકાની વાત કરી રહ્યા છીએ. અફસોસ એટલા માટે કે એ ગગનથી વાત્યું કરતી પવનચક્કીઓ, ઈમારતો, કન્વેયર બેલ્ટો, અદ્યતન કારો, બહુ પૈડાધારી ટ્રકોમાં એક પણ કચ્છી માલિકી હક્કથી બેઠો નથી, જે કચ્છી બોલે છે, સમજે છે, જીવે છે, વિચારે છે એ આ બધી ઝાકઝમાળ વચ્ચે સ્તબ્ધ થઈ, ખેતીની જમીન ગુમાવી, દારૂના નશામાં મૂડી હોમી, પશુઓ વેચી ટ્રકો વસાવી આજે હપ્તા ન ભરાતાં એ ટ્રકો પણ ખેંચાવીને એ જ કાળીટીલી જેવી સડકોની એક કોર હાટડી માંડીને કાં બેઠો છે અને કાં પોતાના જ ઘરમાં છુપાયો છે. એને માગતાં શરમ આવે છે અને  હવે ખાવાનું બચ્યું નથી. હજી તો ઉનાળાનું મોં સુઝણું થયું છે જ્યારે આ ઉનાળાની કાળી રાત ઊતરશે  ત્યારે શું થશે ? આ ડર એને તો છે જ છે પણ જાગૃત અવસ્થામાં જીવતા એક એક જણને છે. દોમદોમ સાહ્યબી વચ્ચે ભૂખમરાના એંધાણ `કચ્છમિત્ર'ની ટીમે સોમવારે મેળવ્યા. ભૂખના ભાભરણાં અને તરસની તાણ વચ્ચેની ભ્રમણામાં રાચતા અબડાસા-લખપત તાલુકાની સ્થિતિ દૂર ક્ષિતિજે મીટ માંડતાં ભારે દયનીય ભાસી રહી છે. ઔદ્યોગિક એકમોના આગમન સાથે અબડાસા-લખપત પટ્ટીના ગામડાઓને સુખના સૂર્યોદયનો અહેસાસ થયો હતો પણ લગભગ બે દાયકામાં સમૃદ્ધિની આશ ઠગારી નીવડી છે. રોજગારીની સમસ્યાએ પોતાનું ડાચું બંધ જ નથી કર્યું ત્યાં લાગલગાટ ત્રણ ચોમાસાંમાં વરસાદની કસુવાવડ થઈ અને અધૂરામાં પૂરું કમોસમી વરસાદ થયો એય વળી અધૂરું હોય તેમ મસમોટી એવી વાયોર-અકરી નજીકની એક સિમેન્ટ ફેક્ટરી બંધ થઈ ગઈ અને મુશ્કેલીના એવા તો મંડાણ થઈ ગયા કે વાત ન પૂછો. અકરીના નિવૃત્ત પોલીસમેન લાલુભા જાડેજાના પુત્રને ઘર, ખેતર, ઉદ્યોગ છોડીને સહપરિવાર ઠેઠ સામખિયાળી ચેકપોસ્ટ પર નોકરી સ્વીકારવી પડી.  મોટી બેરના 100થી વધુ માલધારીઓ ગુજરાત બાજુ ઊતરી ગયા, નાની બેરનાં અનેક ઘર બંધ થઈ ગયાં, અનેક જણ ભુજ, ગાંધીધામથી લઈને અલગ-અલગ જગ્યાએ રોજીરોટી માટે ભાગ્યા, ભટક્યા, અમુક તો પાછા પણ વળ્યા, આ વલોપાત છે, પરિવારોની પીડા છે, તકલીફ છે જેની સંભવત: ટીવીમાં ડિબેટ જોનારાઓને ખબર પણ નથી હોતી. ભાનુશાળીઓ લગભગ હિજરત કરીને અન્યત્ર ઠરીઠામ થઈ ગયા, મહાજન વ્યવસ્થા પર પૂર્ણવિરામ મુકાઈ ગયું અને દુકાળનું આગમન એટલે કારી ઘા. માંડવી તાલુકાના શિરવાથી ઠેઠ નારાયણસરોવર જતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ  `8-એ' પરથી કચ્છમિત્રની ટીમે આ સરહદી બંને તાલુકાઓની દુષ્કાળજન્ય પીડા પારખવાના પ્રયાસરૂપે 375થી 400 કિ.મી.નો પ્રવાસ કર્યો. તો સીધી અને સ્પષ્ટ વાત સમજાઈ ગઈ કે અબડાસાના રામપર (અબડાવાળી)થી ઠેઠ અરબી સમુદ્રને અડતા ગરડા પંથકમાં કાળમુખાનું ઊતરાણ, રોકાણ, સ્થિરવાસ છે. ફાગણમાં જ્યારે પ્રકૃતિ ખીલતી હોય ત્યારે આ ગરડા પંથકના ચહેરા કરમાયેલા ભાસે છે, ઘરોના ચૂલાઓ સળગે છે સાથોસાથ હૈયામાં પણ હોળી છે. કારણ કે તદ્ન ગરીબ, મધ્યમવર્ગના બે છેડા સાંધે સંધાય જોડાય તેમ નથી. આવકના સ્રોત જ વરસાદની જેમ થંભી ગયા છે અને ખર્ચનો સિલસિલો શ્વાસની જેમ અવિરત ચાલે છે. શિરવાથી નલિયા સુધી અને નલિયાથી લખપત તાલુકાને જોડતા નાની-મોટી બેર, પખાથી લઈને પશ્ચિમી કાંઠાળપટના લગભગ બધા જ ગામડાઓમાં કરોડો કરોડના આંધણવાળી પવનચક્કીઓ ગોઠવાઈ ગઈ છે. પવન ઊર્જાના માધ્યમથી મોટાપાયે વીજ ઉત્પાદન થાય છે પણ સવાર-સાંજ પવનચક્કીઓના ત્રણ પાંખડાઓને ગોળ-ગોળ ફરતા જોવા સિવાય કોઈ પાસે કંઈ કામ નથી. જીવન પણ આમ જ ધીમે ધીમે આંતરિક ઊર્જા ગુમાવી રહ્યું છે, પણ શું થાય ? અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ જાન્યુઆરીમાં આ વિસ્તારની બે મસમોટી સિમેન્ટ કંપનીઓ સામે ધરણા કર્યા અને સમાધાનના ભાગરૂપે સાંઘી તથા અલ્ટ્રાટેક કંપનીએ ઘાસ-પાણી વિતરણનું કામ સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવાના નામે સ્વીકાર્યું પણ ગામેગામ ફરિયાદ છે કે કંઈ મળતું નથી. દક્ષિણથી પશ્ચિમ દિશાના ગામડાઓ ગોલાય, રોહારા, કરમટા, અકરી, થુમડી, નવાવાસ, હોથિયાય, ચરોપડી, વલસરા, વાઘાપદ્ધર, ખારઈ, ખારોડા, ભોવા, વાગોઠ, ભારાવાંઢ, મોહાડીમાં શ્વાસ ચડી જાય એટલું ફરો ત્યારે માંડ એકાદ મનુષ્ય નજરે ચડે છે. આ વિસ્તારની વસ્તીનું પલાયન, સ્થળાંતર, હિજરત જે કહો તે ઘાસ, પાણી, રોજગારીની દિશામાં થયું છે. ફકીરાણી જત તો માલધારી વર્ગ છે તેઓએ માલસામાન ઊંટ પર ઠઠાડીને ઘર-ખોરડા છોડયા છે કાં છોડવાની વેતરણમાં છે. હવે વિચારજો આટલા બધા ગામોના બાળકોના શિક્ષણનું શું ? અને રખે આવો પ્રશ્ન ઉઠાવતા કારણ કે જવાબ ખૂબ જ તીક્ષ્ણ છે.. `જો જીબો ત ભણબો હેર તાં જીંધગીજો જંગ લડો તાં' (જો જીવશું તો શિક્ષિત પણ થશું, અત્યારે તો જિંદગીની લડાઈ ચાલે છે) નાની બેરના મુસાભાઈ હાલેપોત્રા કહે છે કે ગરીબ મધ્યમવર્ગની હાલત ફાગણમાં જ ખરાબ છે. અમે થોડાઘણા પૈસાપાત્ર કહેવાઈએ પણ ગણિત માંડો, દૂધનો ભાવ લિટરના 50 રૂા. છે, 4થી 5 ભેંસ નિભાવવી હોયને તો પણ જેમ જેમ દિવસ જાય આંખે અંધારાં આવતાં જાય. ઘરેણા વેચી મારીને પશુઓના પેટ ભરાય તેવી જોગવાઈ કરીએ છીએ પણ રોજના 700-800ના હિસાબે મહિને 15થી 20 હજારનો ખર્ચ વધી જતાં મૂડી કેટલી જીક ઝાલશે.. અમારી દોડ પણ પ્રથમ ગરીબાઈ ભણી છે પણ મૃત્યુ તો નિશ્ચિંત જ છે પશુ હોય કે મનુષ્ય. આ નાની બેર ગામમાં મળેલા એક યુવાન સિધિકએ કહ્યું કે, પીવાનું પાણી નર્મદાનું મળે છે પણ સામખિયાળીથી કરીને નાની બેર સુધી ક્યાંયે વચ્ચે ભંગાણ પડે, તો સૌ પ્રથમ પાણી અમારું બંધ થાય. દર સાતથી પંદર દિવસ વચ્ચે ઘાસની ટ્રક આવે, નર્મદાનું પાણી બંધ થાય એટલે સમજી લો દશ-બાર દિ' તો નહીં જ આવે. હાલ સુધી મીઠી ડેમનું પાણી આશીર્વાદરૂપ હતું પણ હવે એ ખૂટયું તેથી કાલની ચિંતા ગંભીર છે. મામલતદાર કચેરીમાં મળી ગયેલા પૂર્વ ધારાસભ્ય ઇબ્રાહીમ મંધરાએ નારાજગી સાથે કહ્યું હતું કે, તાલુકામાં દશ વીકના નરેગાનાં ચૂકવણાં થયાં નથી. પાંચેક હજાર મજૂરોની આર્થિક હાલત કફોડી છે. ખેડૂતોની પીડાનો પાર નથી પણ જો એક માર્કેટયાર્ડ હોત તો ભૂતકાળના સારા ચોમાસાનો લાભ ખેડૂતોને મળ્યો હોત, યાર્ડ વગર ખેડૂત લૂંટાય છે. દુનિયા જાણે છે કે ઘઉં, મગ, કપાસ, તલ, મગફળીનું વિપુલ ઉત્પાદન અહીં થાય છે પણ વેપારીઓ તોલમાપમાં છેતરી જાય છે. કપાસ કાંટામાં છેતરપિંડીના સેંકડો બનાવ છે, ભાડાંમાં પણ લૂંટ થાય છે. જો યાર્ડ હોત તો ખેડુ આ બધામાંથી બચત. ત્રણ વખત ખાતમુહૂર્ત થયા બાદ પણ માર્કેટયાર્ડ નથી એ નથી જ. સરકારી ઘાસડેપો અહીં ખૂલ્યા છે, ઢોરવાડા પણ શરૂ થયા છે અને ગૌશાળા પાંજરાપોળ પણ છે. આજે કિલો ઘાસનો ભાવ રૂા. 17 છે, દોઢ મહિના બાદ પહેલી બે ટ્રક સરકારી ઘાસ વાયોરમાં ઊતરી, જે રાત સુધીમાં સાત ટ્રકમાં ફેરવાઈ તેથી હવે સરકારી ઘાસ ઉપલબ્ધ છે  પણ કેટલું ટકશે એ ચિંતાનો પ્રશ્ન છે. કચ્છના વહીવટી તંત્રએ આદેશ આપ્યો છે કે જ્યાં ઢોરવાડો ખૂલી ગયો હોય ત્યાંના ઘાસડેપો પર 2 રૂા. કિલોના ભાવે ઘાસ ન આપવું. ઢોરવાડા સંચાલક પશુદીઠ ત્રણ કિલો ઘાસ આપી રૂા. 35 સબસિડીનો દાવો કરે છે, પશુને ઓછામાં ઓછું 12થી 14 કિલો ખાવા ખપે. અમુક નફ્ફટ સંચાલકો વધુ ઘાસ મગાય તો કહે છે `પછી અમે શું ખાટીશું?' નિયમ તો એવો છે કે સંચાલક ટ્રસ્ટે સબસિડીના રૂા. 35માં પોતાના ઉમેરી ઢોર બચાવવા... આ નાની બેર ગામ ભુજથી 140 કિ.મી. દૂર છે, નલિયાથી 40 કિ.મી.ના અંતરે છે. મહાજન આબાદીએ ગામ છોડી દીધું છે, લઘુમતી સમાજ ગામ સાચવે છે પણ પીડા કેટલી ? કોઈ માંદું પડે તો પ્રથમ નલિયા અને પછી ભુજ લઈ જવો પડે. આરોગ્યની સેવા પૂરતા પ્રમાણમાં નલિયામાં રખાય તો 100 કિ.મી. ધક્કો  બચે, પણ આઝાદીને સાત દાયકા થઈ ગયા.....નલિયા મામલતદાર કચેરીની અછત શાખાના નાયબ મામલતદાર શ્રી ચૌધરીએ આપેલી વિગતો અનુસાર તાલુકામાં 12,105 ઘાસકાર્ડ છે, અગાઉ 13,740 હતા, પણ જ્યાં ઢોર ઢોરવાડામાં જમા થયા ત્યાંના કાર્ડ રદ કરવામાં આવ્યા. કુલ 86.75 લાખ કિલો ઘાસ રૂા. 2ના ભાવે રાહત પેટે અપાયું. કુલ 68 ઢોરવાડાને મંજૂરી અપાઈ જેમાં 52 હજારથી વધુ ઢોરનો નિભાવ થાય છે. રાતાતળાવ સ્થિત ઓધવરામ પાંજરાપોળમાં 11 હજારથી વધુ પશુઓએ આશરો લીધો છે. આ ઢોરવાડા સંચાલકોને સબસિડી પેટે તા. 31/1/19 સુધી 4,45,86,130 રૂા. ચૂકવાયા છે. પશ્ચિમ કચ્છના ગરડા પંથક પર ઊતરેલા દુકાળના દાંત જેમ જેમ ઉનાળો વધુ ગરમી પકડશે તેમ તેમ વધુ ઊંડા ઊતરશે અને પિશાચની જેમ મનુષ્ય-પશુઓનું લોહી પીશે. આખાય પંથકમાં ભણેલા-ગણેલા હોય કે અજ્ઞાની અશિક્ષિત હોય સૌનું કહેવું છે કે, લોકસભાની ચૂંટણી જાહેર થઈ તેથી બે મહિના તો સરકાર પૂછા કરશે જ, પછી વહેલું ચોમાસું ઈચ્છીએ છીએ....

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer