પાટિલનાં એ વિધાનથી કચ્છીયત પોરસાઇ

પાટિલનાં એ વિધાનથી કચ્છીયત પોરસાઇ
માંડવી, તા. 13 (દેવેન્દ્ર વ્યાસ દ્વારા) : અત્યારના ખેલાડીઓને અનેકગણી સુવિધા, સગવડો, આર્થિક પુરસ્કાર મળી રહ્યા છે. અમારા ખેલકાળમાં કે એ પહેલાં અર્થબળ સાવ સામાન્ય (નામ પૂરતું) હતું. તે વેળાએ દેશાભિમાન અને ખેલદિલી અમારે મન સર્વસ્વ કે ગૌરવરૂપ હતા. હોટેલ રૂમ ચાર્જ પણ શેરિંગ કરીને ભોગવવો પડતો હતો. ભોજન વિરામ વેળાએ લન્ચ માટે દોસ્તો, ચાહકો કે યજમાનો આમંત્રે એનો ઇન્તજાર રહેતો. આવા સમયે કનકસિંહ ખીમજી રામદાસ, વિનુભાઇ વડગામા, પ્રવીણ પટેલ વગેરે એમના ઘરેથી રમતવીરો માટે ગાડી મારફતે ભાવતું ભોજન ઉપલબ્ધ કરાવતા તે બદલ તત્કાલીન સમગ્ર ટીમ વતી સંવેદનાસભર કૃતજ્ઞતા પ્રદર્શિત કરું છું એમ '83ની વિશ્વકપ વિજેતા ટીમના સભ્ય સંદીપ પાટિલે તાજેતરમાં પ્રસારિત ટીવી શોમાં કહેતાં કચ્છીયત પોરસાઇ?છે. ગુજરાતની ગરિમા વધુ એકવાર ઝળકી છે. ગત રવિવારે  રાત્રે `સોની' ચેનલ ઉપર કપિલ શર્મા (22મા) એપિસોડમાં 1983માં વિશ્વકપ (ક્રિકેટ) વિજેતા ટીમમાં દેશને ગૌરવ બક્ષનારા ટીમના તમામ ખેલાડીઓ એકસાથે સર્વ પ્રથમ વાર સામેલ રહ્યા. તત્કાલીન કેપ્ટન કપિલ દેવ, સુનીલ ગાવસ્કર, મોહિન્દર અમરનાથ, સંદીપ પાટિલ, યશપાલ શર્મા, શ્રીકાંત, મદનલાલ, રોઝર બિન્ની, બલવિન્દર સંધુ, કીર્તિ આઝાદ, રવિ શાત્રી, સૈયદ કિરમાણી વગેરેએ રોમાંચક પળો યાદ કરી હતી.  સૈયદ કિરમાણીએ કહ્યું કે, અમે જે મજબૂત પાયો નાખ્યો તે રસ્તા પર આજનો રમતવીર દોડી રહ્યો છે. મદનલાલે જણાવ્યું હતું કે, ખેલ દરમ્યાન ખેલાડીઓને  ખવડાવવા માટે કોઇ યજમાન મળે તેની વાટ જોવી પડતી. મોહિન્દર અમરનાથે કહ્યું કે, વિદેશ પ્રવાસ દરમ્યાન પત્નીને સાથે રાખવી એ અર્થબોજ બની રહેતું. નાણાં કાઢવા ક્યાંથી ? પ્રવર્તમાન સમયમાં બેટ-બોલના બળે ખેલાડીઓ નાણાંમાં આળોટતા થયા છે. ધનાધિપતિઓમાં નામ દર્જ થતા રહ્યા છે, તેની સામે વિતેલા દાયકાઓ પહેલાં રમતવીરો આર્થિક સંકડામણ વચ્ચે પણ દેશદાઝ-રાષ્ટ્રીય સ્વાભિમાન માટે મેદાને જંગમાં ઊતરતા હતા. ખુમારી, ખુદ્દારી અને ખેલદિલીનો જમાનો હતો. મહેનતાણું, પુરસ્કાર મહત્ત્વનું નહોતું એવી લાગણીઓ પ્રસારણ દરમ્યાન મજાકીય મૂડમાં પ્રદર્શિત કરાઇ હતી. તે વેળાના મધ્યમ કક્ષાના બેટધર, ઓલરાઉન્ડર સંદીપ પાટિલે કાબિલે તારીફ કરતાં તત્કાલીન ટીમ વતીથી અહીંના નામવર દાની - શ્રેષ્ઠી કનકસિંહ શેઠ, ખીમજી રામદાસ ઉપરાંત વિનુભાઇ વડગામા, પ્રવીણ પટેલના પ્રેરક પ્રદાનના ઓવારણા લીધા હતા.શ્રી પાટિલના કહેવા પ્રમાણે `લન્ચ બ્રેક' વેળાએ  યજમાનની ગાડી મારફતે ભોજન પહોંચી આવતું. ડ્રેસિંગ રૂમ છોડીને ભૂખ ભાંગવા ગાડીમાં બેસીને આરોગવાની અધીરાઇ રહેતી. તે વેળાએ `કોડ ઓફ કન્ડક્ટ' જેવું નહોતું. હોટેલ રૂમ (ઉતારો), ભોજનખર્ચના છેડા ભેગા કરવા એ પડકાર રહેતો. આવી સ્થિતિમાં કોઇ?માઇનો લાલ હિતેચ્છુ મળે તે નાનીસૂની વાત નહોતી. તેઓએ ખીમજી રામદાસ (કનકસિંહ) સાથે વિનુભાઇ વડગામા, પ્રવીણ પટેલ જેવા ગુજ્જુ ચાહકોની  મહેમાનનવાજીને ભાવભેર આગળ કરી હતી. કીર્તિ આઝાદ, શ્રીકાંત વગેરેએ પણ વિતેલી ક્ષણો વાગોળી હતી. દેશદાઝનો ટંકાર કરતાં સંદીપ પાટિલે ઉમેર્યું હતું, `વકત ગુજર ગયા શેર કભી બુઢા નહીં હોતા. હમ આજ ભી (જરૂરત પડી તો) મેદાનમેં આને કે લિયે તૈયાર હૈ.'

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer