ગાંધીધામમાં 1.60 લાખનો હાથફેરો કરી તસ્કરો મકાનમાં આગ લગાડતા ગયા !

ગાંધીધામમાં 1.60 લાખનો હાથફેરો કરી તસ્કરો મકાનમાં આગ લગાડતા ગયા !
ગાંધીધામ, તા. 13 : શહેરના મધ્યમવર્ગીય એવા ભારતનગર વિસ્તારમાં આવેલા એક બંધ મકાનમાંથી તસ્કરો રૂા. 1,60,000ની મતાની ચોરી કરી આગ લગાવીને નાસી ગયા હતા. આગના આ બનાવથી મધ્યમવર્ગીય પરિવારની ઘરવખરી સળગીને ખાખ થઈ ગઈ હતી.  શહેરના ભારતનગર વોર્ડ 11-એ. હિન્દી સોસાયટી, પ્લોટ નં. 413માં રહેતા પ્રકાશ જશરાજ સરિયાલા(મારવાડી)ના બંધ મકાનમાં તસ્કરોએ હાથ માર્યો હતો. શહેરની શિપિંગ કંપનીમાં કામ કરનારા આ યુવાન સવારે કામે નીકળી ગયા હતા. તેમનો પુત્ર શાળાએ ગયો હતો.  બાદમાં તેમનાં પત્ની તુલસીબેન કામે જવા નીકળ્યાં હતાં અને દરરોજની જેમ ઘરની ચાવી પોતાના પતિના બૂટમાં રાખી ગયા હતા.  દરમ્યાન, તેમના ઘરમાંથી  આગના ધુમાડા નીકળતાં પાડોશીઓએ ઘરનાં તાળાં તોડફી આગ ઓલાવવા પાણીનો મારો કર્યો હતો અને આ ઘરધણીને આગ અંગે જાણ કરી હતી. આ દંપતી ત્યાં આવી ગયા બાદ પાલિકાના લાયબંબાએ  પાણીનો મારો કરી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. આ લોકોએ ઘરમાં જઈને તપાસ કરતાં તેમના ઘરનો પાછળનો દરવાજો ખુલ્લો હતો અને પોતાના ઘરમાં ચોરી પણ થઈ હોવાનું બહાર આવ્યું હતું.  પોલીસે વિગતો આપતાં જણાવ્યું હતું કે, અજાણ્યા શખ્સો તેમના ઘરમાં લોખંડની  પેટી અને કબાટમાંથી રોકડા રૂા. 35,000, જે હાલમાં જ વીસીમાં આ મહિલાને મળ્યા હતા તે તેમજ સોનાનો નેકલેસ, સોનાની ચેઈન, નાની-મોટી ચાર વીંટી એમ કુલ્લ રૂા. 1,60,000ની  મતાની ચોરી કરી નાસી ગયા હતા. ઘરમાં આગના બનાવને  પગલે પોલીસના બેન્ડ,  એલઆઈસીના કાગળ, આધારકાર્ડ,  રેશનકાર્ડ, શાળાનાં પ્રમાણપત્રો વગેરે સરસામાન સળગીને ખાખ થઈ ગયો હતો. તસ્કરો લોખંડની પેટી કપડાં પાછળ લઈ જઈ બાદમાં તેમાંથી દાગીના ચોરી આ પેટી પાછળના ભાગે મૂકીને નાસી ગયા હતા. મધ્યમવર્ગીય વિસ્તારમાં મધ્યમ પરિવારના ઘરમાંથી લાખોની ચોરીના પગલે ભારે ચકચાર પ્રસરી હતી. શહેરમાં અગાઉ થયેલી દુકાનો, મકાનોની ચોરી, ધાડ, લૂંટના બનાવોમાં પોલીસ હજુ કાંઈ શોધી શકી નથી તેવામાં વધુ એક ચોરીના બનાવથી ભારે ચકચાર પ્રસરી હતી. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer