કિડનીની બીમારીનો ડર કાઢી મોજમાં રહો...

કિડનીની બીમારીનો ડર કાઢી મોજમાં રહો...
ભદ્રેશ ડુડિયા દ્વારા
ભુજ, તા. 13 : વિશ્વમાં કિડનીના દર્દીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે અને આમાં કચ્છ પણ બાકાત નથી. પરંતુ હૈયે હામ હોય તો ગમે તેવી શારીરિક તકલીફનો સરળતાથી સામનો કરી શકાય છે. આવી પ્રેરણાત્મક વાત અનેક કિડનીના દર્દીઓએ ડાયાલિસીસના બિછાનેથી કહી છે. આ બધાનો એક જ સૂર છે, આ બીમારીના ડરથી મરવાથી પહેલાં ન મરો અને મોજમાં રહો. કિડનીની અસાધ્ય બીમારીનો ગ્રાફ કચ્છમાં પણ ઊંચકાયો હોવાથી એક અંદાજ મુજબ કચ્છમાં ડાયાલિસીસના 11 સેન્ટરોમાં 65 જેટલા મશીનો પર દરમહિને 2400 જેટલા ડાયાલિસીસ થાય છે. ભુજમાં જી.કે. જનરલ હોસ્પિટલ ઉપરાંત લેવા પટેલ અને લાયન્સ હોસ્પિટલ મધ્યે સેન્ટર છે, તો મુંદરા, માંડવી અને ગાંધીધામમાં પણ બે-બે અને ભચાઉમાં એક ડાયાલિસીસ સેન્ટર કાર્યરત છે. આ અસાધ્ય બીમારીથી પીડાતા દર્દીઓની ડાયાલિસીસના બિછાનેથી લીધેલી મુલાકાતમાં દર્દીઓએ મન ખોલીને વાતચીત કરી હતી. `ભઇ જ્યાં સુધી ભગવાન જીવાડશે ત્યાં સુધી જીવીશ...' આ શબ્દો છે નખત્રાણા તાલુકાનાં પાલનપુર ખાતે રહેતા 50 વર્ષીય દેવજીભાઇ ખમુ મહેશ્વરીના, કે જેઓ છેલ્લા 10 વર્ષથી ડાયાલિસીસ કરાવી રહ્યા છે. ખેતમજૂરી કરીને ગુજરાન ચલાવતા આ શ્રમજીવી દેવજીભાઇએ જણાવ્યું કે, અગાઉ 12 દિવસે એકવાર ડાયાલિસીસ કરાવતો હતો, ત્યારબાદ સપ્તાહમાં એક વાર, પછી બે વાર અને હવે ત્રણ વાર ડાયાલિસીસ કરાવવા આવું છું. હજુ પણ હિંમત હાર્યો નથી અને મારા જેવા અન્યોને પણ કહું છું, ડરો નહીં... લેખમાં મેખ?નહીં પડે, જ્યારે જે થવાનું હશે તે થશે... ડરીને, મરવાથી પહેલાં ન મરો... તો બાજુમાં ઊભેલા તેમના અર્ધાંગિની સોનબાઇએ કહ્યું કે, મેં મારા પતિને કિડની આપવાની તૈયારી દર્શાવી પરંતુ તેમણે ધસીને ના પાડી દીધી છે. તે કહે છે, મને જરાય ડર નથી પરંતુ હું તમારી જિંદગી ખરાબ નહીં કરું... ભુજોડીના 40 વર્ષના યુવા દિનેશ શિવજીભાઇ ખરેટે પણ મનોબળ મજબૂત રાખવાની સલાહ આપી જણાવ્યું કે, હતાશ થશો તો શારીરિકની સાથે માનસિક તકલીફ?પણ વધી જશે અને કિડનીનો દર્દી ખુદ મક્કમતાપૂર્વક રોજિંદા જીવન મુજબ જીવન વિતાવશે તો પરિજનો પણ મજબૂતીથી સાથ આપશે તેવું છેલ્લા પાંચ વર્ષથી ડાયાલિસીસ કરાવી મોજથી જીવતા દિનેશભાઇએ જણાવ્યું હતું. બાજુમાં તેમની સાથે મક્કમ ડગે ઊભેલા તેમનાં પત્ની રમીલાબેને કહ્યું કે, ઘરે આ બાળકો સાથે એટલી બધી ઊછળકૂદ કરે છે કે અમને લાગતું જ નથી તેઓ આ કિડનીની બીમારીથી ગ્રસ્ત છે. મારા સસરા તો કહે કે, તું તો છોકરાથીયે નાનો હોય તેવું વર્તન કરશ. ત્યારે દિનેશભાઇ સ્મિત સહ જવાબ વાળે કે, મને ડોક્ટરે મોજમાં રહેવાની સલાહ આપી છે. આથી હું હતાશાને ખંખેરી હંમેશાં આનંદમાં જ રહું છું. તબીબની સલાહ મુજબ પરેજી રાખો અને ખાલી સમયમાં મનગમતું કામ કરતા જ રહો... જેથી નવરાશના સમયમાં ખોટા વિચાર ન આવે તેવું પ્રેરણાત્મક સૂચન દિનેશભાઇએ કર્યું હતું. 56 વર્ષીય મુંદરાના સાવિત્રીબેન સોનીએ ખુમારીપૂર્વક જણાવ્યું કે, હું હિંમત કદીય હારતી જ નથી. છેલ્લા બે વર્ષથી ડાયાલિસીસ કરાવું છું અને અત્યાર સુધી મારા શરીર પર 15 શત્રક્રિયાઓ થઇ?ચૂકી છે અને આગામી દિવસોમાં 16મું ઓપરેશન થવાનું છે. લોકો કહે છે, ઘરમાં ચહલ-પહલ હોય, કુટુંબ મોટું હોય તો ચિંતા ઓછી થાય પરંતુ મારા ઘરે તો અમે બે જણ છીએ. મારા પતિ મારી ખૂબ સેવા-ચાકરી કરી રહ્યા છે અને આથી જ મને જીવન જીવવાનું બળ મળે છે. આવી જ વાત છેલ્લા ચાર વર્ષથી ડાયાલિસીસ કરાવતા ભુજના 48 વર્ષીય કાંતાબેન નારાણજીભાઇ?મહેશ્વરીએ કરીને જણાવ્યું કે, મારા પતિ મારી દેખભાળમાં કોઇ કચાશ નથી રાખતા. ભુજ તાલુકાનાં ભારાસરના તળાવમાં બોટ ચલાવી રોજી રળતા માત્ર 33 વર્ષના અબ્દુલ ગનીની નિર્ભયતાની કહાની પણ રોચક છે. ભરયુવાનીમાં 23-24 વર્ષના હતા ત્યારથી ડાયાલિસીસ કરાવે છે. લ્યુનાથી એકલા આવે, ડાયાલિસીસ કરાવીને તુરંત ધંધે લાગી જાય. પેન્ટર-કલરકામ કરીનેય ક્યારેક છૂટક કમાણી કરી લેતા આ યુવાને બધું જ પરવરદિગાર પર છોડી દઇ ચિંતામુક્ત થઇ ગયો છું તેવું જણાવી કહ્યું કે, જ્યારે જ્યારે જે કામ મળશે તે કરીશ?અને જેટલા દિવસો નસીબમાં લખ્યા છે તે નિર્ભયતાથી જીવીશ. આવી જ ખુમારીપૂર્વકની વાત સુથારીકામ કરતા ભુજના 43 વર્ષીય દીપકભાઇ?સલાટે કરી હતી. તેમણે માથામાં જરા પણ ચિંતાના સર પડાવ્યા વિના બાજુમાં સુથારીકામના ઓજારની થેલી દર્શાવતાં જણાવ્યું કે, હમણાં જ ડાયાલિસીસ પૂરું થયા બાદ સુથારીકામમાં પરોવાઇ જઇશ. છેલ્લા દશ વર્ષથી ડાયાલિસીસ કરાવું છું. આ સમય દરમ્યાન ઘણા જ કિડનીના દર્દી જોયા છે, જે ડરી જાય છે તે વહેલા ઉકલી જાય છે એટલે શોલેનો ખ્યાત ડાયલોગ યાદ અપાવી હસતાં હસતાં કહ્યું, `જો ડર ગયા વો મર ગયા'. એટલે હું તો ડરીને `મરવાથી પહેલાં મરવા નથી માગતો'?અને અન્યોને પણ?સલાહ આપું છું કે, જે બીમારી લાગુ પડી ગઇ?છે તેનાથી ડરો નહીં, નિર્ભય બની તમારી જિંદગી જીવો...'`વિશ્વ  કિડની દિવસ'ના પૂર્વે રાવલવાડી રિલોકેશન સાઇટ સ્થિત એલ.એન.એમ. લાયન્સ હોસ્પિટલની મુલાકાત લીધી ત્યારે ચેરમેન ભરતભાઇ મહેતા અને અભય શાહે જણાવ્યું કે, 2006થી અહીં શરૂ થયેલા ડાયાલિસીસ સેન્ટરમાં આજ સુધી 92 હજારથી પણ વધુ ડાયાલિસીસ થયા છે. દાતાઓના અપાર સહયોગ ઉપરાંત સરકારની વિવિધ યોજનાઓનો લાભ આવા દર્દીઓને મળતો થતાં આર્થિક રીતે ઘણીબધી રાહત મળે છે.
 
રોજ 40થી50 ડાયાલીસીસ થાય...
ભુજની એલ.એન.એમ. લાયન્સ હોસ્પિટલમાં 22મી જાન્યુઆરી 2006થી વિપ્રો કંપનીના બે મશીનથી ડાયાલિસીસ સેન્ટરની શરૂઆત થઇ ત્યારથી ડાયાલિસીસ વિભાગના વડા તરીકે કામગીરી સંભાળતા મહારાષ્ટ્રના રત્નાગીરીના સીતારામ સખારામ સાલપેકરે જણાવ્યું કે, બે મશીનથી શરૂ?થયેલા આ સેન્ટરમાં હાલે 25 મશીન છે અને દરરોજ બે પાળીમાં અહીં 40થી 50 જેટલા ડાયાલિસીસ થાય છે અને આ વિભાગ શરૂ?થયો ત્યારથી લઇને આજદિન સુધી કુલ્લ મળીને 92,461 ડાયાલિસીસ અહીં થયા છે. ડાયાલિસીસ દરમ્યાન ડાયાલીઝર અને ટયુબીનની જાળવણી ઉપરાંત દર્દીના બ્લડપ્રેશર પર ખાસ ધ્યાન રખાય છે તેવું  સેવાભાવી સ્વભાવ ધરાવતા સીતારામ જણાવી તેમણે કહ્યું, કિડની બીમારી માટે ડાયાબિટીસ અને બ્લડપ્રેશર જવાબદાર હોય છે. આ ઉપરાંત કચ્છના પાણીમાં ખારાશનું પ્રમાણ વધુ હોવાથી અહીં અનેકને પથરી થતાં કિડની ઉપર અસર થાય છે. કિડનીની તંદુરસ્તી માટે ખાણી-પીણી અને રોજિંદા જીવનમાં વ્યાયામ-કસરત કરવાની સલાહ પણ?સીતારામભાઇ લોકોને આપી રહ્યા છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer