લંડનમાં આકાર લઇ ચૂકયું છે પ્રથમ ભક્તિ ધર્મ કેન્દ્ર

લંડનમાં આકાર લઇ ચૂકયું છે પ્રથમ ભક્તિ ધર્મ કેન્દ્ર
વસંત પટેલ દ્વારા
કેરા, (તા. ભુજ), તા. 13 :  કચ્છીઓનો હિજરતી ઇતિહાસ જે સંસ્થાનના કેન્દ્ર સ્થાને નોંધપાત્ર પ્રગતિ પામ્યો છે તે યુરોપના સૌ પ્રથમ શિખરબદ્ધ હિન્દુ મંદિરે વિશ્વવાસી ગુજરાતીઓ પૈકી જગતનું પ્રથમ એવું ભક્તિ-ધર્મ કેન્દ્ર 100 કરોડ રૂપિયાથીએ વધુના ખર્ચે લંડન-વિલ્સડન મંદિરે કરી દીધું છે. જુલાઇમાં ઐતિહાસિક નવ દિવસીય મહોત્સવ સાથે ખુલ્લું મુકાશે. 1.20 લાખ ચો. ફૂટ બાંધકામ, 19 બેડ રૂમ, વિશાળ કોમન જગ્યા, બગીચો, જિમ, એકલવાયું જીવન જીવતા વ્યક્તિઓ માટે તજજ્ઞો દ્વારા નિયમિત કાઉન્સિલિંગ, હિન્દુ શાકાહારી ત્રણ ટાઇમ ભોજન પદ્ધતિ, કપડાં, સફાઇ, સહયોગ અક્ષમોને અપાશે. 55 વર્ષથી વધુ વયના લોકો અહીં પોતાપણાનો અહેસાસ કરશે. સત્સંગ હોલ, ભજન-ભક્તિ, ધાર્મિક સંસ્કાર પ્રમાણે આરાધનાની સુવિધા કરાઇ છે. નાદુરસ્તી સમયે નર્સિંગ સુવિધા, વોકિંગ ટ્રેક, બાળકો સાથે રમવા-રમાડવાની સુવિધા સહિત મૈત્રીસભર હૂંફ આપવાનો પ્રયાસ છે. વિલ્સડન સ્વામિનારાયણ મંદિરના આ મહાપ્રકલ્પનું વર્ણન વાંચી રખે માનતા કે આ વૃદ્ધાશ્રમ કે ઘરડાં ઘર છે... ના. બિલકુલ નહીં. ભારતીય પરિવાર પરંપરાને ખંડિત કરતી માનસિકતાને પોરસાય નહીં. આ એક એવું સર્જન છે જ્યાં વૈચારિક ઘડતર કરાશે. મંદિરના પ્રમુખ કુરજીભાઇ અરજણ કેરાઇ (નારાણપર)નું કહેવું છે કે અહીં પાશ્ચાત્ય ઓલ્ડ એજ કેર હોમ અને ભારતીય કુટુંબ પ્રથાનું સંયોજન છે. ભુજ સ્વામિનારાયણ મંદિરના મહંત પુરાણી ધર્મનંદનદાસજી સ્વામી, પુરાણી પ્રેમપ્રકાશદાસજી સ્વામી, વરિષ્ઠ કોઠારી પાર્ષદવર્ય જાદવજી ભગત  આદિ સંતોની પ્રેરણાથી  સ્થાનિક જરૂરિયાતોને ધ્યાને લઇ સત્સંગ પ્રણાલી અનુશાર વ્યવસ્થાઓ ગોઠવાઇ છે. આ સંતો-મહંતોના હસ્તે નરનારાયણદેવ ગાદી આચાર્ય કૌશલેન્દ્રપ્રસાદજી મહારાજની નિશ્રામાં ભૂમિપૂજન તા. 2-7-2017ના થયું હતું. પૂરા બે વર્ષમાં સાકાર આ સંકુલ ઇકોફ્રેન્ડલી છે તેવું જણાવતાં બાંધકામ સંભાળતા કે.કે. જેશાણી (ટ્રસ્ટી-વિલ્સડન સ્વામિ. મંદિર)એ ઉમેર્યું કે આ પ્રકારનું સર્જન કોઇપણ હિજરતી ભારતીય સમુદાયમાં લંડન ખાતે પ્રથમ અને એકમાત્ર છે. જેમાં અનેક દાનવીર દાતાઓ, બિઝનેસ કોમ્યુનિટી અને તમામ હરિભક્તોએ સાથ આપ્યો છે અને ભુજ મંદિરના આશીર્વાદ છે.


ઐતિહાસિક મહોત્સવ
તા. 13 જુલાઇ 2019થી નવ દિવસીય ઉદ્ઘાટન મહોત્સવમાં ભુજધામથી બહોળી સંખ્યામાં સંતો, ધર્મકુળ પરિવાર અને ઓસ્ટ્રેલિયા, આફ્રિકા, અમેરિકા અને માદરે વતન કચ્છથી અનેક પરિવારો ભાગ લેશે. પાર્ષદવર્ય જાદવજી ભગતે કહ્યું કે આ સર્જનમાં યુ.કે.ના તમામ મંદિરોના હરિભક્તોનો સાથ છે, વિલ્સડન મંદિરના તમામ કારોબારી સભ્યોએ ઘણી જહેમત ઉઠાવી છે.
 
વિલ્સડન મંદિર : એક ધરોહર
પ્રમુખ કુંવરજીભાઇ કેરાઇ અને કે. કે. જેશાણીએ કચ્છમિત્રને વિગતો આપતાં કહ્યું કે સ્વામી ધર્મજીવનદાસજીએ ઇ.સ. 1975માં આજથી 44 વર્ષ પહેલાં આ મંદિરના પાયા નાખ્યા હતા. અહીં મંદિરની રોજિંદી પ્રવૃત્તિ સાથે માતૃભાષા ગુજરાતી, અંગ્રેજી, ચિત્ર, સંગીત, શાત્રના વર્ગો ચલાવાય છે. છાત્રો-છાત્રાઓ અભ્યાસ કરે છે. વિશ્વમાં કયાં પણ કુદરતી કે માનવસર્જિત આપદામાં મંદિર દ્વારા મદદ કરાય છે. મુંબઇ વિશ્રાંતિભવન, ગામદેવી સહિત આયુર્વેદિક દવાખાના, નૂતન મંદિરો, મેડિકલ કેમ્પમાં અહીંના સત્સંગીઓ સંતોના વચને અચૂક સાથ આપતા રહ્યા છે. બ્રિટન સરકારમાં પણ આ સંસ્થા મોટું સ્થાન, આદર ધરાવે છે. મહોત્સવ માણવા કચ્છમિત્રના માધ્યમે આમંત્રણ અપાયું છે.  Live/www.shreeswaminarayan.org.uk

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer