વોટિંગ મશીન હેક કરી શકાય નહીં

વોટિંગ મશીન હેક કરી શકાય નહીં
ભુજ, તા. 13 : લોકસભાની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે મતદારોમાં મતદાન અંગેની જાગૃતિ કેળવાય તે હેતુથી વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. મતદારો ઇ.વી.એમ. તેમજ વીવીપેટ અંગે સરળતાથી જાણકારી મેળવી શકે તે માટે વિવિધ સ્થળો પર નિદર્શન કરવામાં આવી રહ્યું છે. ભુજ જિલ્લા અદાલત ખાતે પણ બુધવારે વકીલોની હાજરીમાં નિદર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જાગૃત નાગરિકોમાં પણ વિશેષ જાગૃતિ કેળવાય તેમજ તે અંગેની ખામી વિશે ફેલાવાઇ રહેલા ખોટા મેસેજની ખરાઇ કરી ખંડન કરવા અપીલ કરવામાં આવી હતી. નાયબ ચૂંટણી અધિકારી રવીન્દ્રાસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ઇ.વી.એમ. તેમજ વીવીપેટ એક સર્કિટ સિસ્ટમ છે. તે ઓનલાઇન સોફ્ટવેર સાથે જોડાયેલી નથી. તેને કોઇપણ સંજોગોમાં હેક કરી શકાય નહીં તેની વિવિધ એજન્સીઓએ પણ ખાતરી કરી લીધી છે. આ પ્રકારના ભ્રામક પ્રચારથી દૂર રહેવા અપીલ કરાઈ હતી. વધુમાં જણાવ્યું હતું કે, મશીનો હેક થઇ શકે છે તે ઉપજાવેલી વાતો છે. આવા નિદર્શન કાર્યક્રમ થકી જ મતદારોમાં ભ્રામક વાતો દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જિલ્લા કોર્ટમાં જાગૃતિ અંગે યોજાયેલા સેમિનારમાં બાર એસોસિયેશનના પ્રમુખ અનિલ જોશી, સહમંત્રી અમિત ઠક્કર, બહાદુરાસિંહ જાડેજા, હેમાસિંહ ચૌધરી, ઇશ્વરલાલ વેગડ, હરિભાઇ ખત્રી, કે.ટી. ચૌધરી, રમેશ ધોળુ, કમલેશ ઠક્કર, મનીષ અડેચા સહિત મોટી સંખ્યામાં વકીલોએ ભાગ લઇ જાતે ડેમો સિસ્ટમમાં વોટ આપીને ખાતરી કરી હતી. મદદનીશ મતસ્ય ઉદ્યોગ અધીક્ષક મહેશ દાફડા, માસ્ટર ટ્રેનર, આઇ.ટી.આઇ. ભુજના મેહુલ પટેલ તેમજ એન.પી. ચારણે વોટિંગ મશીનની ઓપરેટિંગ સિસ્ટમ અંગે વિસ્તૃત માહિતી આપી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer