ગાંધીધામના સેક્ટર વિસ્તારમાં ચાલતા ગટરલાઈનના કામમાં ઊતરતી ગુણવત્તા

ગાંધીધામના સેક્ટર વિસ્તારમાં ચાલતા ગટરલાઈનના કામમાં ઊતરતી ગુણવત્તા
ગાંધીધામ, તા. 13 : શહેરનાં સેક્ટર 1 થી 4માં ચાલતા નવી ગટરલાઈન નાખવાના કામમાં લોટ, પાણી અને લાકડાંની નીતિ અપનાવાતી હોવાના આક્ષેપો ઊઠ્યા છે. પાઈપલાઈન નાખવાનું જે રીતે કામ કરાઈ રહ્યું છે તે જોતાં સેક્ટર વિસ્તારમાં સમસ્યા ઉકેલાવાના બદલે વકરશે તેવી દહેશત જાણકાર વર્તુળો વ્યક્ત કરી રહ્યાં છે. આ અંગે મળતી વિગતો મુજબ, પાલિકા દ્વારા સેક્ટર1 થી 4માં નવી ગટરલાઈન નાખવાનું કામ ચાલુ છે. સ્થાનિક રહેવાસીઓના આક્ષેપ મુજબ, લાઈન માટેના પાઈપો  મોટા નાખવાના બદલે નાના નાખવામાં આવ્યા છે. વળી, જે પાઈપો નાખવામાં આવે છે તેની મજબૂતાઈ પણ ઓછી હોવાનો આક્ષેપ લોકો કરી રહ્યા છે. વળી, સાવ નાનો ખાડો ખોદી લાઈન બેસાડવામાં આવે છે, જેથી જો કોઈ ભારે વાહન પસાર થશે તો  પાઈપલાઈન તૂટી  જવાની શક્યતા પ્રબળ હોવાનું જાણકારો જણાવી રહ્યા છે. પીવાના પાણીની લાઈનની બાજુમાં જ આ ગટરલાઈન બેસાડવામાં આવે છે, જેથી આ વિસ્તારમાં ગટરમિશ્રિત પીવાના પાણીની સમસ્યા સર્જાશે તેવી દહેશત લોકોને સતાવી રહી છે. મળતી વિગતો મુજબ, આ કામ જી.યુ.ડી.સી. દ્વારા  કરાઈ રહ્યંy છે. અગાઉ પણ શહેરમાં જી.યુ.ડી.સી. દ્વારા કરાયેલાં કામોમાં વ્યાપક ભ્રષ્ટાચાર આચરાયો હોવાની તેમજ કામની ગણવત્તા નબળી હોવાની બૂમરાડ ઊઠી હતી. દરમ્યાન, સેક્ટર વિસ્તારમાં જ્યાં જરૂરિયાત નથી ત્યાં પણ લાઈન નાખવામાં   આવી હોવાનું જાણકારોએ જણાવ્યું હતું. કરોડોના ખર્ચે થતાં કામોમાં દાખવાતી બેદરકારી સામે જવાબદાર તંત્ર દ્વારા પગલાં લેવાય તેવી લોકમાંગ પ્રબળ  બની છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer