સાંપ્રત સમયમાં જનરેશન ગેપ એક યક્ષ પ્રશ્ન

સાંપ્રત સમયમાં જનરેશન ગેપ એક યક્ષ પ્રશ્ન
અંજાર, તા. 13 : ભારત વિકાસ પરિષદ-અંજાર શાખા દ્વારા જ્ઞાનવત્સલ સ્વામીનો બૌદ્ધિક પરિસંવાદ કાર્યક્રમ યોજાયો હતો.અંજાર શહેરમાં ટાઉનહોલ ગ્રાઉન્ડ ખાતે બીએપીએસ સંસ્થાના સંત અને કરોડો યુવાનોના પ્રેરણાસ્રોત, પ્રખર વક્તા જ્ઞાનવત્સલ સ્વામીજીએ જણાવ્યું કે, સાંપ્રત સમયમાં બે પેઢીઓ વચ્ચેના મતભેદને કારણે `જનરેશન ગેપ' એક યક્ષ પ્રશ્ન બની ગયો છે. આ પ્રશ્નના મૂળમાં શું કારણ અને એમના ઉકેલની વાતો સાથે વિચારો રજૂ કર્યા હતા. પ્રારંભ ભારતના શહીદ વીર જવાનોને શ્રદ્ધાંજલિ સાથે કરાયો હતો. જ્ઞાનવત્સલ સ્વામીજી, સ્વામી નિત્યપ્રકાશ સ્વામી તથા અંજાર સચ્ચિદાનંદ મંદિરના મહંત ત્રિકમદાસજી મહારાજ, શાખા પ્રમુખ જયદીપસિંહ જાડેજા, મંત્રી દિલીપસિંહ ચૌહાણ તથા પ્રકલ્પ સંયોજક દિનેશભાઈ ઠક્કર દ્વારા દીપ પ્રાગટય કરાયું હતું. જ્ઞાનવત્સલ સ્વામીનું સ્વાગત પુરાણ અને ઉપનિષદોની શૈલીમાં સ્વામીજીને યજ્ઞ સમીધ અર્પણ કરી જ્ઞાન યાચનાની સાથે કરાયું હતું. સંસ્થા વતી જયદીપસિંહે શાબ્દિક સ્વાગત કરી સંપર્ક, સહયોગ, સંસ્કાર, સેવા, સમર્પણના પંચસૂત્રો પર કામ કરતી ભારત વિકાસ પરિષદનો પરિચય તથા અંજાર શાખાના સેવા કાર્યથી માહિતગાર કર્યા હતા. આ અવસરે જનરેશન ગેપ વિષય પર ત્રણ સૂત્ર સમય, સંસ્કાર અને શ્રદ્ધા પર સ્વામીજીએ પ્રકાશ પાડયો હતો. શાખા મંત્રી દિલીપભાઈએ આભાર દર્શન કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા શાખા દ્વારા ચાલતી સેવા પ્રવૃત્તિ માટેની સેવા રાશિમાંથી આ સભાના આયોજનનું ખર્ચ ન કરતાં શાખાના દરેક કાર્યકરે આર્થિક સહયોગ આપ્યો હતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer