સ્વાર્થ ખાતર સમાજનો ઉપયોગ નહીં કરવા હાકલ

સ્વાર્થ ખાતર સમાજનો ઉપયોગ નહીં કરવા હાકલ
બિદડા (તા. માંડવી), તા. 13 : જૂના સમયથી બિદડા ગામ પાંચાળામાં બધી જ બાબતોમાં અગ્રેસર રહ્યું છે. તે પછી ભલે ને આંબાની ખેતી હોય કે આરોગ્ય હોય કે પછી સામાજિક સમરસતા હોય. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની યોજનાથી સર્વ જ્ઞાતિની બનેલી સામાજિક સમરસતા યજ્ઞ સમિતિ દ્વારા શિવરાત્રિની પૂર્વસંધ્યાએ 51 કુંડી ગાયત્રી યજ્ઞ તથા મહેશ્વરી સમાજ દ્વારા બારમતી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. 13 ગામોમાંથી રાજગોર, પાટીદાર, સંઘાર, મારવાડા, આહીર, ગરવા, ક્ષત્રિય, સોની, પટ્ટણી, જોગી, પારાધી, મહેશ્વરી, આદિવાસી, જૈન, વાળંદ, દરજી વગેરે 17 જેટલા સમાજોએ ઉત્સાહભેર સહભાગી થઇ સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. મહાયજ્ઞમાં કુલ્લ 104 યુગલોએ સનાતન સમાજમાં સમાનતા, બંધુતા અને સમરસતાનું વાતાવરણ નિર્માણ કરવા જાતિ-જ્ઞાતિ વચ્ચેનું અંતર ઓછું કરવા 51 યજ્ઞકુંડમાં જ્યોત પ્રજ્વલિત કરી ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ધનજી માતંગ, પંકજ ગરવા તથા ખીમરાજ માતંગે બારમતી યજ્ઞ સંપન્ન કરાવ્યો હતો. આ યજ્ઞમાં મહેશ્વરી સમાજના ભાઇઓ-બહેનો સાથે પાટીદાર સમાજના પ્રમુખ મણિલાલ ભગત, ભવાનજી રામાણી, સતીશ મોતા, જયંતીભાઇ નાથાણી, બિદડા ગામના સરપંચ સુરેશ સંઘાર, મોટી રાયણના સરપંચ શાંતિભાઇ પટેલ તથા અન્ય દરેક સમાજના અગ્રણીઓ બારમતી યજ્ઞ વિધિમાં જોડાયા હતા. બારમતી યજ્ઞની વ્યવસ્થા મગનભાઇ સિંચણિયા અને તેમની ટીમે કરી હતી. 51 કુંડી ગાયત્રી યજ્ઞ કરાવવાની વ્યવસ્થા ગાયત્રી પરિવાર - માંડવીના પ્રતાપભાઇ પઢિયાર, અંતાણીભાઇ, વીજતંત્રના એન્જિનીયર તૃપ્તિબેન તથા કાર્યક્રર્તા ભાઇ-બહેનોએ સંભાળી હતી. આર્ષ અધ્યયન કેન્દ્ર-ભુજના સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતીએ આશીવર્ચન પાઠવ્યાં હતાં. સ્વામીજીએ જગદ્ગુરુ શંકરાચાર્યએ ચાંડાળ જાતિના વ્યક્તિને પણ તેમના જ્ઞાનને આધારે પોતાના ગુરુ બનાવ્યાના ઉત્તમ ઉદાહરણ દ્વારા સમાજમાં ઊંચ-નીચના ભેદભાવો જ્ઞાતિ કે સંપ્રદાય આધારિત નથી એવું સમજાવ્યું હતું. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિભાગ કાર્યવાહ જેન્તીભાઇ નાથાણીએ સમરસતા સમિતિના કાર્યને બિરદાવી આવા કાર્યોથી સમાજનો પોતાના નિહિત સ્વાર્થ ખાતર ઉપયોગ કરનારાં લેભાગુ તત્ત્વોને બોધ મળશે એવી આશા વ્યક્ત કરી રાષ્ટ્રની એકતાના પાયામાં સમાજની એકતાનું મહત્ત્વ સમજાવ્યું હતું. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના માંડવીના તાલુકા સંઘચાલક રાજેશભાઇ સોરઠિયાની અધ્યક્ષતામાં સમરસતા ટીમે તાલુકાનાં ઘણાં ગામોનો પ્રવાસ કર્યો હતો. પાટીદાર સમાજના મોહનલાલ છાભૈયા તથા પાટીદાર યુવક મંડળ અને સંઘાર યુવક મંડળની ટીમે આયોજન પાર પાડવામાં ભૂમિકા ભજવી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer