દિલ્હીમાંય ડૂબ્યું ભારતનું વહાણ : ઓસીની શ્રેણી જીત

નવી દિલ્હી તા. 13 : વર્લ્ડકપ પહેલાંની આખરી વન-ડે સિરીઝમાં ટીમ સંયોજન માટે કરેલા પ્રયોગ મોંઘા પડયા છે. નિર્ણાયક અને આખરી મુકાબલામાં ઓસ્ટ્રેલિયાએ 3પ રને પ્રભાવશાળી જીત મેળવીને પ મેચની શ્રેણી 3-2થી કબ્જે કરી છે. ભારતની તેની જ ધરતી પર ઓસ્ટ્રેલિયાએ લગભગ બે દાયકા બાદ વન-ડે શ્રેણી વિજય મેળવ્યો છે. એક તબક્કે શ્રેણીની પહેલી બે મેચ હારીને કાંગારૂ ટીમ 0-2થી પાછળ હતી. આ પછી જીતની રાહ પર વાપસી કરી હતી અને વિજયની હેટ્રિક સર્જી હતી. આ સાથે ઓસ્ટ્રેલિયાએ વિદેશની ધરતી પર 2017 બાદ પહેલી વન-ડે શ્રેણી જીતી છે. બીજી તરફ પાછલા 3 વર્ષમાં 12 વન-ડે શ્રેણી જીતનાર કોહલીસેનાને વિશ્વ કપની ઠીક પહેલાં આંચકારૂપ હાર સહન કરવી પડી છે. ઓસ્ટ્રેલિયાએ મેન ઓફ ધ મેચ અને સિરીઝ ઉસ્માન ખ્વાઝાની સદીથી પ0 ઓવરમાં 9 વિકેટે 272 રન કર્યાં હતા. જવાબમાં ટોચના બેટધરોની નિષ્ફળતાને લીધે ભારતીય ટીમ પ0 ઓવરના અંતે 237 રને ઓલઆઉટ થઇ હતી. રોહિતે અર્ધસદી (પ6) કરી હતી. તો કેદાર જાધવ (44)ના સાથમાં પૂંછડિયા ભુવનેશ્વરે 46 રનની ઇનિંગ રમીને સંઘર્ષ કર્યો હતો. બન્ને વચ્ચે આઠમી વિકેટમાં 91 રનની લડાયક ભાગીદારી થઇ હતી. ભુવનેશ્વર અને કેદાર ઉપરાઉપરી બે દડામાં આઉટ થતાં ભારતની જીતની રહીસહી આશા સમાપ્ત થઇ ગઇ હતી. ઓસ્ટ્રેલિયા તરફથી ઝમ્પાએ 3 અને કમિન્સ, રિચાર્ડસન અને સ્ટોનિસે 2-2 વિકેટ લીધી હતી. 273 રનના વિજય લક્ષ્યાંક સામે નિર્ણાયક મુકાબલામાં ભારતની ઉપરના ક્રમની બેટિંગ હરોળ દબાણમાં કડડભૂસ થઇ હતી. વર્લ્ડકપના દાવેદાર તમામ ખેલાડીઓ દબાણભરી મેચમાં પાણીમાં બેસી ગયા હતા. એકમાત્ર ઉપસુકાની રોહિત શર્માએ 89 દડામાં 4 ચોગ્ગાથી પ6 રનની ઈનિંગ રમી હતી. તેના અને સુકાની કોહલી (20) વચ્ચે બીજી વિકેટમાં પ3 રનની ભાગીદારી થઇ હતી. જયારે શિખર (1પ), યુવા પંત (16), વિજય શંકર (16), રવીન્દ્ર જાડેજા (0) નિષ્ફળ રહ્યા હતા. આ પછી કેદારે પ7 દડામાં 44 અને ભુવનેશ્વરે પ4 દડામાં 46 રન કરીને 8મી વિકેટમાં 91 રનની ભાગીદારી કરી હતી. આમ છતાં ભારત ઠીક પ0 ઓવરમાં 237 રને ઓલઆઉટ થઇ ગયું હતું. આથી ઓસ્ટ્રેલિયાનો પાંચમી વન-ડેમાં 3પ રને વિજય થયો હતો અને શ્રેણી 3-2થી કબ્જે કરી હતી.આ પહેલાં ઇનફોર્મ ઓપનર ઉસ્માન ખ્વાઝાની શાનદાર સદીની મદદથી ઓસ્ટ્રેલિયાએ મિડલ ઓર્ડરના બેટ્સમેનોની નિષ્ફળતા છતાં પ0 ઓવરના અંતે 9 વિકેટે 272 રનનો પડકારરૂપ સ્કોર કરવામાં સફળતા મેળવી હતી. ખ્વાઝાએ શ્રેણીની બીજી સદી ફટકારીને 106 દડામાં 10 ચોગ્ગા અને બે છગ્ગાથી આકર્ષક 100 રન કર્યા હતા. વન-ડે કેરિયરની તેની આ બીજી સદી છે. તેણે સુકાની આરોન ફિંચ (27) સાથે પહેલી વિકેટમાં 76 રનની અને બીજી વિકેટમાં પીટર હેન્સકોમ્બ (પ2) સાથે 99 રનની ભાગીદારી કરી હતી. હેન્સકોમ્બે 60 દડાની ઇનિંગ્સમાં 4 ચોગ્ગા લગાવ્યા હતા. ભારત તરફથી ભુવનેશ્વરકુમારે 43 રનમાં 3, રવીન્દ્ર જાડેજાએ 4પ રનમાં બે અને મોહમ્મદ શમીએ પ7 રનમાં બે વિકેટ લીધી હતી. ચાઇનામેન બોલર કુલદીપ યાદવ ધોવાયો હતો. તેણે 10 ઓવરમાં 74 રનનો ખર્ચ કરીને 1 વિકેટ લીધી હતી. તો, પ્રીમિયર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને એક પણ વિકેટ મળી ન હતી, પણ તેણે 10 ઓવરમાં 39 રન જ આપીને કાંગારુ બેટધરોને બાંધી રાખ્યા હતા. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને દાવ લેવાનું પસંદ કર્યું હતું. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer