વાપસી માટે કમર કસતી સાનિયા

નવી દિલ્હી, તા. 13 : ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા હાલ તેના પુત્ર ઇઝહાનની સાર-સંભાળની સાથોસાથ ટેનિસ કોર્ટમાં વાપસી કરવા પર ફોકસ કરી રહી છે. પોતાની વાપસી માટે સાનિયા જિમ અને ટેનિસ કોર્ટમાં કલાકો સુધી પરસેવો પાડી રહી છે. જેથી તેણી પહેલાંની જેમ ફિટનેસ હાંસલ કરી શકે અને શરીરની ચરબી ઉતારી શકે. 32 વર્ષીય સાનિયાએ તેના પુનરાગમન પર તેના દુબઇ સ્થિત નિવાસસ્થાને એક મુલાકાતમાં જણાવ્યું હતું કે, હાલ હું પાંચ કલાક વર્કઆઉટ કરી રહી છું. આ માટે સાનિયાએ પૂર્વ ઓસ્ટ્રેલિયન ખેલાડી અને ઓલિમ્પિયન રોબર્ટ બોલાર્ડ પાસે ટ્રેનિંગ લઇ રહી છે. ડબલ્સ અને મિક્સ ડબલ્સમાં ગ્રાંડસ્લેમ ખિતાબ જીતનાર સાનિયા મિર્ઝાએ પાછલા 3 મહિનામાં 22 કિલો વજન ઓછું કર્યું છે.સાનિયા કહે છે કે, હાલ હું જે સ્થિતિમાં છું એથી એવું કહી શકું કે હજુ 4-પ સપ્તાહ સંપૂર્ણ ફિટનેસ હાંસલ કરતા થશે. પુત્રના જન્મ પહેલાં હું ત્રણ સર્જરી કરાવી ચૂકી છું. એ વાતનું પણ ધ્યાન રાખવું પડે છે. દરરોજ ચાર કલાક જિમમાં વ્યસ્ત રહેવું પડે છે. સાનિયા વાપસી પર ચોક્કસ સમય નક્કી કરી શકી નથી, પણ તેને આશા છે કે કોર્ટ પર જુલાઇ અથવા તો ઓગસ્ટમાં પાછી ફરીશ. મારો પુત્ર ચાર મહિનાનો થઇ ગયો છે અને હું 67 કિલો વજન પર પહોંચી ચૂકી છું. અમે બન્ને ફિટ છીએ. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer