ભારતને છંછેડવાની નાપાક પેરવી યથાવત્

નવી દિલ્હી / પૂંચ, તા. 13 : બાલાકોટમાં ભારતની એર સ્ટ્રાઈક બાદ પણ પાકિસ્તાન પોતાની હરકતોથી અટકવાનું નામ લેતું નથી. આજે પણ પાકિસ્તાને પૂંચ વિસ્તારમાં યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરી એલઓસી પર મોજૂદ ટ્રેડ સેન્ટર પર શેલ્સ દાગ્યા હતા. ચક્કા દા બાગ સ્થિત આ સેન્ટરમાં પાકિસ્તાને બે શેલ્સ દાગ્યા હતા. ભારતે એલઓસી પર વ્યાપાર રોકી નાખ્યો છે. બીજી તરફ મંગળવારે મોડીરાત્રે કાશ્મીરમાં નિયંત્રણરેખા નજીક પાકિસ્તાનના બે યુદ્ધવિમાન ચકરાવા લેતાં દેખાયા હતા. જો કે, તે ઘૂસણખોરી કરે તે પહેલાં જ તેને ખદેડી દેવાયા હતા. આ ઘટના પછી વાયુસેના હાઇએલર્ટ પર છે. પાકિસ્તાનના આ બે  યુદ્ધવિમાન ભારે તેજ ગતિ સાથે ઊડી રહ્યા હતા. આ વિમાનોના શક્તિશાળી અવાજના કારણે  અંકુશરેખા પાસેના વિસ્તારોમાં વસતા ભારતીય નાગરિકોમાં થોડીવાર ભય ફેલાયો હતો.  વાયુદળના સતત સાબદાં રડારોએ પાકિસ્તાની વાયુદળના બે જેટ વિમાનોને ઊડતાં ઝડપી પાડયા હતા અને ઘૂસણખોરીની કોશિશ નાકામ કરી નાખી હતી. આ નાપાક હરકતનાં પગલે તમામ ભારતીય હવાઇ સંરક્ષણ તેમજ રડાર પ્રણાલીને  હાઇ એલર્ટ જારી કરી દેવાયો હતો. ઉલ્લેખનીય છે કે, અગાઉ ગત  શનિવારે પણ રાજસ્થાનના શ્રીગંગાનગર જિલ્લા પાસેની સીમા પર ભારતીય વાયુદળે પાકિસ્તાની ડ્રોન તોડી પાડયું હતું. શ્રીગંગાનગરમાં હિન્દુમલકોટ સરહદ પાસેથી પાકનું ડ્રોન ભારતીય હદમાં ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહ્યું હતું. જેને સેનાએ જમીન પરથી ગોળીબાર કરીને તોડી પાડયું હતું. બીજી તરફ, પાકિસ્તાનની ગોળીબારની હરકતોથી સ્થાનિક નાગરિકોને નુકસાન પહોંચ્યું છે. પાકિસ્તાની સેનાને ભારતીય સુરક્ષાદળોએ પણ વળતો જવાબ આપ્યો હતો. પાકિસ્તાન તરફથી જ થઈ રહેલા ગોળીબારને કારણે બંને દેશ વચ્ચેનો વ્યાપાર સ્થગિત થઈ ગયો છે. આ પહેલાં પુલવામા હુમલા બાદ પણ બંને દેશ વચ્ચેનો વ્યાપાર રોકવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે બાલાકોટમાં કરવામાં આવેલી એર સ્ટ્રાઈક બાદથી જ પાકિસ્તાન સરહદ પર યુદ્ધવિરામનો સતત ભંગ કરી રહ્યું છે. પાડોશી દેશ તરફથી પૂંચ, રાજૌરી સહિત એલઓસી નજીકનાં સેક્ટરોને નિશાન પર લેવામાં આવ્યાં છે. એક તરફ સુરક્ષાદળો પાકિસ્તાનનો સામનો કરી રહ્યાં છે, તો બીજી તરફ ખીણમાં તેમનો સામનો આતંકવાદીઓ સાથે થઈ રહ્યો છે. પાકિસ્તાન સમર્થિત આતંકવાદીઓ તરફથી જમ્મુ-કાશ્મીરમાં નાપાક હરકતો કરવામાં આવી રહી છે. સતત આતંકવાદીઓ તરફથી સેનાના જવાનોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer