ખંધા ચીને મસૂદને ફરી પ્રતિબંધથી ઉગાર્યો

નવી દિલ્હી, તા. 13 : પુલવામા આતંકવાદી હુમલા સહિતના અનેક અધમ, હિંસક કૃત્યો આચરનાર આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના મુખિયા મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાના પ્રયાસમાં બુધવારે સતત ચોથી વાર ખંધા ચીને વિઘ્ન સર્જ્યું હતું. સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં મસૂદને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાના પ્રયાસમાં ચીની વિરોધની પ્રતિક્રિયા આપતાં ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે, ખુદ પુલવામા આતંકવાદી હુમલાની જવાબદારી લેનાર જૈશના વડાની ઢાલ બનવાના ચીની વલણે આંતરરાષ્ટ્રીય સમુદાયના પ્રસ્તાવને રોકતાં સૌને નારાજ, નિરાશ કર્યા છે. આતંકવાદ સામે અમારી લડાઈ જારી રહેશે. મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાનો પ્રસ્તાવ ગત 27મી ફેબ્રુઆરીના ફ્રાન્સ, યુ.કે. અને અમેરિકાએ મૂક્યો હતો. 2017માં પણ ચીને મસૂદને વૈશ્વિક આતંકવાદી ઘોષિત થતો બચાવી લીધો હતો. તે વખતે ચીને એવું કહ્યું હતું કે, મસૂદ બીમાર છે, તે હવે સક્રિય નથી અને જૈશનો નેતા પણ નથી. અગાઉ ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા લુ કાંગે એક મીડિયા બ્રીફિંગમાં જણાવ્યું હતું કે, હું ફરીથી કહું છું કે ચીન જવાબદારીપૂર્વક વર્તવાનું ચાલુ રાખશે અને યુએનએસસી 1267 સમિતિના વિચાર- વિમર્શમાં ભાગ લેશે. ચીન સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં વીટોની શક્તિ ધરાવતું સભ્ય છે. અત્યારે બધાની નજર ચીન પર છે, જે ભૂતકાળમાં અઝહરને સંયુક્ત રાષ્ટ્રમાં વૈશ્વિક આતંકવાદી ઘોષિત કરાવવાના ભારતના પ્રયાસોને અટકાવી ચૂક્યું છે. જો સુરક્ષા પરિષદનું કાયમી સભ્ય ચીન અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટનના પ્રસ્તાવમાં અડિંગો ન લગાવે તો મસૂદ વૈશ્વિક આતંકવાદી ઘોષિત થઈ જાય તેવી સંભાવના હતી. બીજી તરફ, ભારતે અમેરિકા અને ફ્રાન્સની સાથે પુલવામા આતંકવાદી હુમલા બાદ કેટલાક મહત્ત્વપૂર્ણ દસ્તાવેજો શેર કર્યા છે, જેથી અઝહર વિરુદ્ધ વધુ નક્કર પુરાવા રજૂ થઈ શકે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer