રાહુલ સાથે હવે પ્રિયંકા ભાજપના નિશાને

નવી દિલ્હી, તા. 13 : ભાજપે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને તેમનાં બહેન પ્રિયંકા ગાંધી પર વચેટિયાના માધ્યમથી ભ્રષ્ટાચાર કરવાનો આરોપ લગાવ્યો હતો, જેનો ઈનકાર કરી કોંગ્રેસે પલટવાર કર્યો હતો. કેન્દ્રીયમંત્રી સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, છેલ્લા 24 કલાકમાં સમાચાર માધ્યમોમાંથી જે અહેવાલ આવી રહ્યા છે તે દર્શાવે છે કે કઈ રીતે ગાંધી-વાડરા પરિવારે પારિવારિક ભ્રષ્ટાચારને પરિભાષિત કર્યો છે. એક પત્રકાર પરિષદમાં ઈરાનીએ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડરા પર જમીન ખરીદવા માટે કાળાં નાણાંનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે, મીડિયા અહેવાલો અનુસાર રાહુલ ગાંધી અને તેમના જીજાજી (રોબર્ટ વાડરા)એ હથિયાર દલાલો પાસેથી રૂપિયા લીધા હતા.  ઈરાનીએ કહ્યું કે, એચ.એસ. પાહવા નામના એક વ્યક્તિના ઘેર ઈડીનો દરોડો પડયો, જેમાં રાહુલ ગાંધી સાથે લે-વેચના દસ્તાવેજો મળી આવ્યા હતા. જમીનની ખરીદદારીનાં તથ્ય મળ્યાં હતાં. પાહવા પાસેથી રાહુલ ગાંધીએ હરિયાણામાં જમીન ખરીદી છે. જમીન ખરીદવામાં રાહુલના પ્રતિનિધિ મહેશ નાગર છે. તેમણે આરોપ લગાવ્યો કે નાગરનું નામ વાડરાના સોદામાં પણ આવ્યું હતું. કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ પલટવારમાં સીધો પીએમ મોદી પર પ્રહાર કરતાં કહ્યું હતું કે, લોકસભા ચૂંટણીમાં તેમને હાર દેખાઈ રહી છે. આ જ કારણે તેઓ ભટકાવી રહ્યા છે. તેમણે કહ્યું કે, નફરતની આગમાં સ્મૃતિ ઈરાની પોતાનું રાજકીય સંતુલન ખોઈ રહ્યાં છે. તેમણે કહ્યું કે, પાંચ વર્ષથી તમારી સરકાર હતી. હવે તમને આ મામલો યાદ આવી રહ્યો છે. તેમણે કહ્યું કે, ત્રીજી માર્ચે રાહુલ ગાંધીએ 36 લાખ 47 હજારમાં જમીન ખરીદી, જેનું ચૂકવણું તેમણે તેમના ખાતામાંથી કર્યું હતું. સ્ટેમ્પ ડયૂટી પણ ભરવામાં આવી હતી. પછી રજિસ્ટર ગિફ્ટ ડીડના માધ્યમથી તે જમીન પ્રિયંકાને આપી હતી. સ્ટેમ્પ ડયૂટી પણ આપી હતી. જેને પ્રિયંકાએ વિપશ્યનાની સંસ્થાને આપી દીધી હતી. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer