કચ્છ સીમાએ બીએસએફ સુસજ્જ

નિખિલ પંડયા દ્વારા  કચ્છની રણ સરહદ, તા. 13 : કચ્છ સહિતની ગુજરાત સરહદે સીમાસુરક્ષા દળ કોઇપણ પડકારને પહોંચી વળવા માટે સજ્જ અને સક્ષમ હોવાનું બીએસએફના ગુજરાત એકમના વડા ઇન્સ્પેક્ટર જનરલ જ્ઞાનેન્દ્રાસિંહ મલિકે આજે અહીં જણાવ્યું હતું.  પુલવામાના આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાનની સામે નિર્ણાયક વલણ લેવાનો દૃઢ ઇરાદો વ્યક્ત કર્યા બાદ ભારત- પાકિસ્તાન સરહદે ભારે સ્ફોટક સ્થિતિ વચ્ચે આજે સીમાદળના ગુજરાત  ફ્રન્ટીયરના વડા શ્રી મલિકે કચ્છની રણ સરહદની અગ્રીમ ચોકીની મુલાકાત લઇને દળના જવાનોની સજ્જતાની જાત ચકાસણી કરી હતી.  હેલિકોપ્ટર માર્ગે સરહદે પહોંચેલા શ્રી મલિકે `કચ્છમિત્ર' સાથે વાત કરતાં કહ્યંy કે સરહદે તૈનાત સીમાદળના જવાનો અને અધિકારીઓનો જુસ્સો પ્રબળ છે.  તેમણે દળ કોઇપણ પડકારને પહોંચી વળવા માટે સજ્જ અને સક્ષમ હોવાનું કહ્યંy હતું.  ગુજરાત પોલીસમાં અને તેમાં પણ કચ્છ જિલ્લામાં એએસપી, એસપી અને ડીઆઇજી જેવા હોદ્દા પર કામ કરી ચૂકેલા શ્રી મલિક કચ્છની ભૂગોળથી અને આ સરહદી જિલ્લાના વ્યૂહાત્મક મહત્ત્વથી બરાબર વાકેફ છે. તેમની સાથે આ મુલાકાતમાં સીમાદળના કચ્છ સેક્ટરના વડા ડીઆઇજી શ્રી દબાસ, કમાન્ડન્ટ શ્રી ગુંસાઇ જોડાયા હતા. આઇજી શ્રી મલિકે તેમની આ ટૂંકી મુલાકાત દરમ્યાન છેક સરહદે આવેલી સીમા ચોકી સુધી જઇને જાત માહિતી મેળવી હતી. તેમણે જવાનો અને અધિકારીઓ સાથે સંવાદ પણ કર્યો હતો. આ મુલાકાત દરમ્યાન તેમણે ભેડિયાબેટ ખાતે હનુમાન મંદિરનાં કામની વિગતો પણ જાણી હતી અને તેમાં જરૂરી સૂચન પણ કર્યા હતા. આ સરહદે હનુમાન મંદિરના વિશાળ સંકુલનું કાર્ય હાથ ધરી રહેલા ભુજના સ્વામિનારાયણ મંદિરના ટ્રસ્ટીઓ જાદવજીભાઇ ગોરસિયા અને વાઘજીભાઇ પટેલે સીમાદળના અધિકારીઓનું સન્માન કર્યું હતું.  પ્રોજેક્ટના આર્કિટેક્ટ કાંતિભાઇ હીરાણીએ પૂરક માહિતી આપી હતી.    

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer