કાયદાની ભીંસ ચોમેરથી વધતાં સૂત્રધાર છબીલ પટેલ પણ સીટના શરણે થવા તૈયાર

ભુજ, તા. 13 : કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં પ્રેસ્ટિજિયસ સાથે હોટ ઇશ્યુ બનેલા કચ્છ ભાજપના નેતા જયંતીભાઇ ભાનુશાલીની હત્યાના મામલામાં જેની ભૂમિકા સૂત્રધાર તરીકે તપાસનીશો સપાટી ઉપર લાવ્યા છે તેવા આરોપી માજી ધારાસભ્ય છબીલભાઇ નારાણ પટેલ કાયદાની ભીંસ ચોમેરથી વધતાં હવે ખાસ તપાસનીશ ટુકડી (સીટ)ના શરણે આવી રહ્યા હોવાના અહેવાલ સપાટી ઉપર આવ્યા છે. પુત્ર સિદ્ધાર્થની શરણાગતિ અને તેની ધરપકડ સહિતના ઘટનાક્રમ બાદના માહોલ વચ્ચે આ માહોલ ઊભો થયો છે. આધારભૂત સૂત્રો પાસેથી મળી રહેલા અહેવાલ મુજબ, ગત તા. 7મી જાન્યુઆરીના જયંતી ભાનુશાલીની ચાલુ ટ્રેને હત્યા થઇ  તે પહેલાં જ મસ્કત થઇને વિદેશમાં-અમેરિકા ચાલ્યા ગયેલા છબીલ પટેલ વિદેશથી સીધા અમદાવાદ વિમાની મથકે આવતીકાલે તા. 14મીના ઉતરાણ કરે તેવી વિગતો સપાટીએ આવી રહી છે. ખૂનકેસના આ મહત્ત્વના આરોપી માટે રેડ કોર્નર નોટિસ જારી થયેલી હોવાથી તેમની હવાઇ મુસાફરી શરૂ થશે તે સાથે જ તપાસનીશોને તેની વિગતો ઇમિગ્રેશન વિભાગ દ્વારા મળી રહે તેમ છે. બુધવારેની મધ્યરાત્રી બાદ 2.30 વાગ્યે અમદાવાદએરપોર્ટ ઉપર ઉતરાણ કરશે અને તેમને ત્યાંથી જ ઉઠાવી લેવાશે તેવી તૈયારીઓ પણ થઇ ચૂકી હોવાની વિગતો સપાટીએ આવી રહી છે. માહિતીગાર સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, આગોતરા જામીન માટેની અરજી પરત ખેંચી લીધા બાદ છબીલ પટેલના પુત્ર સિદ્ધાર્થે સીટનું શરણું લેતાં તેની ધરપકડ કરાઇ છે અને હાલે તે ત્રણ દિનના રિમાન્ડ હેઠળ છે. આ સ્થિતિમાં છબીલ પટેલ ઉપર કાયદાની ભીંસ ચોમેરથી વધી છે. તો, કેસને સંલગ્ન અન્ય કેટલીક વ્યક્તિઓના કહેવાતા દબાણના કારણે પણ ઊભા થયેલા માહોલ વચ્ચે અંતે સૂત્રધાર શરણે થવા તૈયાર થયાનું જાણવા મળ્યું છે. જાણવા મળી રહેલી વિગતો અનુસાર, સૂત્રધારે કેસના સવા બે મહિનાના સમયગાળા બાદ પરત ભારતમાં આવવા માટે વિમાનની ટિકિટ પણ કઢાવી લીધી છે. આ આરોપી મસ્કત થઇને વિદેશ ગયા ત્યારે અને હવે તે પરત આવે છે ત્યારે બંને વખતે વિમાનની ટિકિટ વગેરેની વ્યવસ્થા તેમના પુત્ર સિદ્ધાર્થ દ્વારા કરાઇ હતી. આ માજી ધારાસભ્ય મસ્કત ગયા બાદ ત્યાંથી દોહા અને એ પછી અમેરિકા ગયા હોવાનું પણ તપાસનીશોના ધ્યાન ઉપર આવ્યું છે.દરમ્યાન, મુખ્ય આરોપી હાથમાં આવી ગયા બાદ આ હાઇ પ્રોફાઇલ હત્યાકેસની તપાસ પરાકાષ્ઠાએ પહોંચશે અને કડીબદ્ધ વિગતો ઝડપભેર બહાર આવશે તેવું જાણવા મળી રહ્યું છે.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer