વિદ્યાર્થીઓ આનંદો... આ વખતે ચૂંટણીનાં કારણે વહેલી પરીક્ષા બાદ વેકેશન, પરંતુ તંત્ર અવઢવમાં

ભુજ, તા. 13 : આગામી લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને આ વર્ષે ધો. 1થી 8 અને ધો. 9 અને 11ની પરીક્ષાઓ વહેલી યોજાશે. આ પરીક્ષા બાદ લગભગ વેકેશન જેવી જ સ્થિતિ સર્જાશે કેમ કે પરીક્ષા પૂર્ણ થયા બાદ તંત્ર ચૂંટણીકાર્યમાં જોતરાઇ જશે. દર વર્ષે 10થી 25 એપ્રિલ વચ્ચે યોજાતી ધો. 1થી 8 અને 9 તથા 11ની વાર્ષિક પરીક્ષા ચાલુ સાલે સામાન્ય ચૂંટણીનાં કારણે વહેલી લેવા તંત્ર વિચારી રહ્યું હોવાનું આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. જો કે, ધો. 9 અને 11ની પરીક્ષાની તો તારીખ પણ જાહેર થઇ છે, તે મુજબ 3જી એપ્રિલથી 18 વચ્ચે પરીક્ષાઓ યોજાશે, જ્યારે પ્રાથમિકની તારીખ જાહેર થવાની હજુ બાકી છે.ચાલુ વર્ષે ગુજરાતમાં 23મીએ લોકસભા ચૂંટણીનું મતદાન હોવાથી દર વર્ષે એપ્રિલના બીજાથી ત્રીજા અઠવાડિયે લેવાતી પરીક્ષા મહિનાના પ્રથમ અઠવાડિયાથી શરૂ કરી દેવા પણ તંત્ર વિચારી રહ્યું છે.આ વખતે વહેલી યોજાનારી પરીક્ષાનાં કારણે વિદ્યાર્થીઓને વધુ સમયના વેકેશનનો લાભ મળશે.આ અંગે જિલ્લા શિક્ષણાધિકારી ડો. બી.એમ. પ્રજાપતિનો સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું હતું કે, પરીક્ષાઓ વહેલી યોજાશે પરંતુ ત્યારબાદ વેકેશન અંગે જિલ્લા કલેકટરની સૂચના મુજબ આગળનું વિચારાશે.જ્યારે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સંજય પરમારે જણાવ્યું હતું કે, પરીક્ષાઓ બાદ વાલીઓનો સંપર્ક કરી ધો. 3થી 8માં વાંચન, ગણનની પ્રવૃત્તિ ચાલુ રહેશે, જ્યારે ધો.2 માટે ઉપચારાત્મક કાર્ય અને ધો. 1ના વિદ્યાર્થીઓ અને ધો. 2થી 8ના શાળા છોડી ગયેલા વિદ્યાર્થીઓની મોજણી કરાશે. આ ઉપરાંત આંગણવાડીઓમાંથી ધો. 1માં આવતા બાળકોને તૈયાર કરવામાં આવશે. સામાન્ય રીતે પરીક્ષા પછી વિદ્યાર્થીઓને શિક્ષણતંત્ર તરફથી ઉપચારાત્મક કાર્ય કરાવવાની સૂચના હોય છે. એકાદ વર્ષ અગાઉ ધો. 8ના વિદ્યાર્થીઓને નજીકની હાઇસ્કૂલમાં ધો. 9નું  પૂર્વ જ્ઞાન વાંચન-લેખન જેવું ઉપચારાત્મક કાર્ય કરાવવાની સૂચના હતી, પરંતુ વાસ્તવિક રીતે પરીક્ષાઓ બાદ વિદ્યાર્થીઓમાં છુટકારા જેવી માનસિકતાના કારણે અને વાલીઓની ઉદાસીનતાનાં કારણે આવી સૂચનાઓ કાગળ પર જ રહેવા પામી છે. પરીક્ષાઓ બાદ મધ્યાહ્ન ભોજન કેન્દ્રોને પુરવઠો આપવાનું બંધ કરી નાખવામાં આવે છે, જેથી શાળામાં જૂજ વિદ્યાર્થીઓ  આવે છે.   

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer