કચ્છમાં સ્વાઇન ફલુના વધુ બે મોત સત્તાવાર જાહેર

ભુજ, તા. 13 : સ્વાઇન ફલુના ઘાતક પંજાએ વધુ બેનો ભોગ લીધાનું આજે સત્તાવાર રીતે જાહેર થતાં ચાલુ સિઝનનો મરણાંક 13 પર પહોંચ્યો છે. જિલ્લાના રોગચાળા નિયંત્રક આરોગ્ય અધિકારી ડો. કુર્મીએ આપેલી વિગતો મુજબ સ્વાઇન ફલુ ઉપરાંતની બીમારીથી પીડાતા બે વ્યક્તિના તાજેતરમાં નિધન થયા હતા જેથી આ વ્યક્તિઓ સ્વાઇન ફલુથી જ મૃત્યુ પામ્યા છે કે નહીં તે નક્કી ન હતું. આજે ડેથ ઓડિટ કમિટીએ સત્તાવાર રીતે જાહેર કર્યું હતું કે આ બંને મોત સ્વાઇન ફલુના લીધે જ થયા હતા. આમ આ બે મોત સાથે સ્વાઇન ફલુનો કચ્છનો સિઝનનો મરણાંક 13 પર પહોંચ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ અંજાર તાલુકાના ચાંદરાણી ગામની 40 વર્ષીય મહિલા પાટણની જીએમઆરએસ મેડિકલ કોલેજ સંચાલિત હોસ્પિટલમાં સારવાર લઇ રહી હતી તે દરમ્યાન મૃત્યુ પામી હતી. તેને ડાયાબિટીસ પણ હતું. જ્યારે માંડવી તાલુકાના ગઢશીશા ગામના 40 વર્ષીય યુવાનનું પણ જી. કે. જનરલ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત થયું હતું. આ બંને મૃત્યુ સ્વાઇન ફલુના લીધે થયા હોવાની પુષ્ટિ ડેથ ઓડિટ કમિટીએ સત્તાવાર રીતે આપી હતી. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer