કચ્છ જિલ્લાના કોંગ્રેસના લઘુમતી આગેવાને આપ્યું રાજીનામું

ગાંધીધામ, તા. 13 : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નવરચિત માળખામાં કરછના મુસ્લિમ સમાજને જોઈએ તેવું પ્રતિનિધિત્વ નહીં મળ્યું હોવાને લઈને પ્રદેશ કોંગ્રેસના અગ્રણી અને અહીંના નેતા હાજી જુમા રાયમાએ પક્ષમાંથી પોતાનું રાજીનામું ધરી દીધું હતું. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ ચાવડાને પાઠવેલા પાંચ પાનાંના લંબાણભર્યા રાજીનામાપત્રમાં શ્રી રાયમાએ જણાવ્યું છે કે, પ્રદેશ કોંગ્રેસના માળખામાં કરછમાંથી એક જ યુવા મુસ્લિમ નેતા રફીક મારાને સ્થાન અપાયું છે. પ્રદેશ કારોબારીમાં કુલ્લ 30 મુસ્લિમ પ્રતિનિધિ સમાવાયા છે, જેમાંથી 22 માત્ર અમદાવાદના છે, તો શું રાજ્યમાં બીજે ક્યાંય મુસ્લિમ વસ્તી નથી- તેવો વેધક પ્રશ્ન તેમણે કર્યો છે. કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિમાં પણ મુસ્લિમ સમાજના સક્ષમ અને સારા લોકોને સ્થાન મળ્યું નથી. ઘણા કિસ્સામાં પ્રદેશ સુધી કોંગ્રેસને હરાવવાનું કામ કરનારા આગેવાનોને સમાવાયા છે. કરછમાં મુસ્લિમોની કુલ્લ વસ્તી 3.50 લાખની છે. લોકસભા બેઠકમાં મુસ્લિમ મતદારો 3.90 લાખ છે, ઉપરાંત મુસ્લિમોએ 95 ટકા મતદાન કાયમ કોંગ્રેસની તરફેણમાં કર્યું છે, એમ પણ લખ્યું હતું. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer