આચારસંહિતાના કારણે મુંદરા તાલુકાના છાત્રોને 3 મહિના એસ.ટી. બસ નહીં મળે !

મુંદરા, તા. 13 : તાલુકાના ભદ્રેશ્વર, વડાલા, લુણી અને હટડી ગામના 70થી વધુ વિદ્યાર્થી ભાઇ-બહેનો અભ્યાસ અર્થે મુંદરા આવે છે. આ વિદ્યાર્થીઓ લાંબા સમયથી મુંદરા સવારે આઠ વાગ્યાની આસપાસ બસ પહોંચી આવે તેવી માગણી કરે છે પરંતુ સ્થાનિક તંત્ર બસ ફાળવતું નથી. હવે આચારસંહિતાનું હાસ્યાસ્પદ કારણ આગળ ધર્યું છે. આજે સવારે આ ગામના સંખ્યાબંધ વિદ્યાર્થીઓની સહી સાથેના પત્રમાં બસની સુવિધા મળે તે માટે રૂબરૂમાં પત્ર આપવા ગયા ત્યારે તંત્રના વડાએ પત્ર જ સ્વીકારવાનો ઇન્કાર કરી દીધો હતો. અન્ય એક આગેવાને શિક્ષણ સમિતિના ચેરમેન છાયાબેન ગઢવીનો સંપર્ક સાધતાં તેમના ફોનથી પત્ર તો સ્વીકારવામાં આવ્યો. તંત્રના વર્તનથી વિદ્યાર્થીઓ નારાજ થયા હતા. આ વિદ્યાર્થી ભાઇ-બહેનોએ `કચ્છમિત્ર'ને રૂબરૂમાં આવી જણાવ્યું કે તંત્ર બસ ફાળવતું નથી અને અમે રિક્ષામાં જઇએ તો પોલીસને જાણ કરી રિક્ષાવાળા ઉપર કેસ એસ.ટી. ડેપોના સત્તાવાળાઓ જ કરાવે છે. વિદ્યાર્થીઓના જણાવ્યા અનુસાર એસ.ટી. તંત્રના સત્તાવાળાઓએ વિદ્યાર્થીઓને એવો જવાબ આપ્યો કે અત્યારે ચૂંટણીપંચની આચારસંહિતા ચાલે છે. તમને 3 મહિના પછી બસ ફાળવવામાં આવશે. વિદ્યાર્થીઓએ રૂબરૂમાં જણાવ્યું કે અમે સમયસર કોલેજ પહોંચી શકતા નથી એમાં ચૂંટણી ક્યાં આડે આવી ? 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer