ગેઇમ્સમાં લેબ.ના એકસાથે સવાસો પરીક્ષણ કરતું ઉપકરણ કાર્યરત : કચ્છમાં એકમાત્ર

ભુજ, તા. 13 : અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલમાં એકસાથે વધુમાં વધુ લેબોરેટરી પરીક્ષણ શક્ય એટલી ઝડપે કરવા પેથોલોજી વિભાગમાં રૂપિયા દોઢ કરોડના ખર્ચે વિટરસ- 5600 નામનું આધુનિક મશીન ઉપલબ્ધ બનાવવામાં આવ્યું છે. જે એકસાથે જુદા જુદા 125 ટેસ્ટ કરવાની ક્ષમતા ધરાવે છે. કચ્છમાં લેબોરેટરી ટેસ્ટ માટે આ પ્રકારનું મશીન માત્ર ભુજ ખાતે ગેઇમ્સમાં વસાવવામાં આવ્યું છે, જ્યારે ગુજરાતમાં માત્ર અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત ખાતે આવું સાધન રાખવામાં આવ્યું છે. ગેઈમ્સમાં આ વિટરસ-5600 દ્વારા રોજના સરેરાશ 1800 નમૂનાઓ ચકાસવામાં આવે છે. અમેરિકા બનાવટનું આ વિટરસ-5600 એક કલાકમાં 750 નમૂનાઓની ચકાસણી કરવા સક્ષમ છે. ભુજમાં લોહીના નમૂનાઓ સાથે લિવર, કિડની, સુગર, થાઇરોઇડ, લીપીડ, કોલેસ્ટ્રોલ, ઇલેક્ટ્રોલાઈટ, ઈમ્યુનો એસટેસ્ટ, વિટામિન બી-12, વિટામિન-ડી, થેલેસેમિયા માટે ફેરોટીન ટેસ્ટ, ફર્ટીલિટી, આર્યન ટેસ્ટ વિગેરે કરવામાં આવે છે. ગેઈમ્સમાં પણ લોહીના નમૂના સાથે વિવિધ પ્રકારનાં પૃથ્થકરણ માટે લોકોમાં આવતી જાગૃતિને પગલે રોજના સરેરાશ 1,800 ઉપરાંત વિવિધ ટેસ્ટ અહીં કરવામાં આવતા હોવાથી પરિસ્થિતિને પહોંચી વળવા ગયા વર્ષે આ સાધન પ્રાપ્ય બનાવવામાં આવ્યું છે.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer