યુવતી વિશે વોટસએપમાં બિભત્સ ફોટાસાથે ખોટા મેસેજના મામલે ફોજદારી

ભુજ, તા. 13 : ગામની છોકરી મુસ્લિમ સમાજના છોકરા સાથે ભાગી ગઇ હોવા વિશેના ખોટા મેસેજ ફોટોગ્રાફ સાથે વોટસએપના માધ્યમથી સોશિયલ મીડિયામાં વહેતા કરવા બદલ તાલુકાના નારાણપર (રાવરી) ગામના અકબર ઇભલા જત અને અલ્તાફ ફકીરમામદ પલેજા સામે વિવિધ ભારેખમ કલમો તળે ગુનો દાખલ કરાયો હતો.  પોલીસ દફતરેથી પ્રાપ્ત માહિતી અનુસાર અગાઉ બનેલી ઘટના વિશેનો વેરભાવ રાખીને આરોપી દ્વારા `નારાણપરની છોકરી મુસ્લિમ છોકરા સાથે ભાગી ગઇ' તેવા લખાણ સાથેના મેસેજ વોટસએપમાં વહેતા મૂકયા હતા. વાયરલ કરાયેલા આ દ્રશ્યોમાં છોકરીના પોતાની સાથેના બિભત્સ ફોટા પણ મુકાયા હોવાનું ફરિયાદમાં લખાવાયું છે.  આ પ્રકરણમાં માનકૂવા પોલીસે કાવતરું રચવા બાબતે ઉપરાંત ઇન્ફોર્મેશન ટેકનોલોજી ધારા અને બે કોમ વચ્ચે વૈમનસ્ય ફેલાય  તેવું કૃત્ય કરવાની કલમો લગાડવામાં આવી છે.  માનકૂવા પોલીસ મથકના ફોજદાર જે.જી.રાણાએ કેસની તપાસ હાથ ધરી છે. ભુજ વિભાગના નાયબ પોલીસ અધીક્ષક જે.એન.પંચાલ પણ બનાવના પગલે સ્થાનિકે ધસી ગયા હતા અને તેમણે સ્થિતિનો જાતઅભ્યાસ કરીને તપાસનીશોને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. પોલીસે ફરિયાદને ટાંકીને વધુ માહિતી આપતાં જણાવ્યું હતું કે જુલાઇ-2018માં છોકરી અને તેની બહેનપણીઓનું બન્ને આરોપી અપહરણ કરી ગયા હતા. આ સમયે બિભત્સ ફોટા પાડી લેવા સહિતની હરકતો કરાઇ હતી. આ ફોટોગ્રાફનો હાલે વાયરલ કરાયેલા મેસેજમાં ઉપયોગ થયાનું બહાર આવ્યું છે.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer