આદિપુરની હોટલમાં ત્રીજી વખત પોલીસે જુગાર અંગે દરોડો પાડયો પણ નિષ્ફળ

ગાંધીધામ, તા. 13 : આદિપુરના મદનસિંહ સર્કલ નજીક વિનય સિનેમા પાસે આવેલી એક રેસ્ટોરેન્ટ, હોટલમાં પોલીસે હાઇપ્રોફાઇલ જુગાર અંગે દરોડો પાડયો હતો પરંતુ અંતે કાંઇ જ હાથમાં ન આવતાં નીલ પંચનામું થયું હતું. આ અંગે પોલીસ પાસેથી મળતી વિગતો મુજબ આદિપુરમાં વિનય સિનેમા પાસે આવેલી કાવેરી રેસ્ટોરેન્ટ કે જીમખાના તરીકે ઓળખાતી હોટલમાં આજે બપોરે પૂર્વ બાતમીના આધારે છાપો મારવામાં આવ્યો હતો. સ્થાનિક ગુનાશોધક શાખા, અંજાર ડીવાય. એસ.પી. સહિતનો કાફલો આજે બપોરથી અહીં ધસી ગયો હતો પરંતુ અહીં પરવાનાથી સભ્યોને મનોરંજન માટે તાસ રમાડાય છે તેમજ પડમાં પૈસા કે એવું કાંઇ મળ્યું નહોતું તેવું એલ.સી.બી. ઇન્ચાર્જ પી.આઇ. એમ.એસ. રાણાએ જણાવ્યું હતું. તેમ છતાં આ હોટલમાં અનેક વિસંગતતાઓ નજરે ચડી હતી, જે અંગે રજિસ્ટર, સી.સી. ટી.વી. ફૂટેજ વગેરે તપાસ કરવામાં આવશે તેવું તેમણે ઉમેર્યું હતું. પોલીસે આ જગ્યાએ ત્રીજી વખત દરોડો પાડયો છે અને તમામ વખત નીલ પંચનામું થયું છે જે બાબત શરમજનક હોવાની ચર્ચાએ લોકોમાં જોર પકડયું છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer