કચ્છમાં પબજી અને મોમો વીડિયો ગેમ રમવા પર પ્રતિબંધ મુકાયો

ભુજ, તા. 13 : બાળકોના માનસ પર ગેમ રમવાને કરાણે થતી ખરાબ અસરને ધ્યાને રાખીને કચ્છમાં પબજી ગેમ રમવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ અંગે કચ્છ જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ જાહેરનામા અનુસાર પબજી ગેમથી બાળકો અને યુવાનોમાં હિંસક વૃત્તિનું પ્રમાણ વધતું હોવાથી પ્રાતિંબધ મૂકવામાં આવ્યો છે. આ ગેમને કારણે બાળકો અને યુવાનોના અભ્યાસ પર વિપરીત અસર થાય છે તેમજ આ ગેમની અસર બાળકો અને યુવાનોના વ્યવહાર, વર્તન, વાણી અને વિકાસ પર પડે છે. કચ્છ કલેક્ટરને મળેલ સત્તા હેઠળ કચ્છ જિલ્લાના વિસ્તારમાં જાહેર સલામતી અને સુરક્ષાને ધ્યાને રાખી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે હેતુથી પબજી ગેમ / મોમો ચેલેન્જ રમવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. કચ્છ જિલ્લાના વિસ્તારમાં કોઇપણ વ્યક્તિ પબજી રમવાની ગતિવિધિમાં ભાગ લે અથવા ધ્યાને આવે તો નજદીકના પોલીસ સ્ટેશનમાં મૌખિક તેમજ લેખિત રજૂઆત કરી શકાશે. આ જાહેરનામું તા. 9/5/2019 સુધી અમલમાં રહેશે. આ જાહેરનામું ગુનાની તપાસની કામગીરી અને શૈક્ષણિક સંશોધનના કામે કરવામાં આવતી કાર્યવાહી પર લાગુ પડશે નહીં. આ હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર ભારતના ફોજદારી અધિનિયમ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામા હેઠળ તપાસ કરવાના, જાહેરનામાના પાલન કરાવવાના અને તપાસના અંતે ચાર્જશીટ રજૂ કરવાના અધિકાર જિલ્લાના પોલીસ અધિકારી તેમજ હેડ કોન્સ્ટેબલ કે તે ઉપરના કર્મચારીઓને રહેશે તેવું કચ્છ કલેક્ટર રેમ્યા મોહન  દ્વારા જણાવાયું છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer