ગાંધીધામ સંકુલમાં રોકડ હેરફેર સંદર્ભે કનડગત નિવારવા માંગ

ગાંધીધામ, તા. 13 : લોકસભાની ચૂંટણીની જાહેરાત થતાંની સાથે અમલમાં આવેલી આચારસંહિતા અંતર્ગત રોકડ હેરફેરના મુદ્દે વેપારીઓને થતી કનડગત નિવારવા અંગે  ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ  એન્ડ ઈન્ડસ્ટ્રીઝના પ્રમુખે જિલ્લા ચૂંટણી અધિકારી સમક્ષ રજૂઆત કરી હતી. ચેમ્બર પ્રમુખ દિનેશ  ગુપ્તાએ જિલ્લા નાયબ ચૂંટણી અધિકારી શ્રી પ્રજાપતિને  રજૂઆત કરતાં પત્રમાં જણાવ્યું હતું કે, આચારસંહિતા અંતર્ગત   2.50 લાખની રોકડ સંગ્રહની મર્યાદા અને 50 હજારથી વધુ રકમની રોકડ રકમની હેરફેર માટે ધારાધોરણો લાગુ કરવામાં આવ્યા છે, પરંતુ ગાંધીધામ સંકુલમાં પેટ્રોલપંપ, શ્રમિકો આધારિત ઉદ્યોગો અને વ્યવસાયો કાર્યરત હોવાથી રોકડ રકમની હેરફેરની સામાન્ય બાબત  છે.  રોકડ રકમના મુદ્દે તપાસ ટીમ દ્વારા તાત્કાલિક સ્થાનિકે જ તપાસ કરી તેની યથાર્થતા અને સાંયોગિક પુરાવાઓ સ્થળ પર જ ચકાસીને તેનું નિકારણ કરવા તેમણે અનુરોધ કર્યો છે.  આચારસંહિતાની ચુસ્ત  અમલવારી અને પાલન કરવા માટે વેપારી આલમ તૈયાર હોવાની ખાતરી વ્યક્ત કરતાં શ્રી ગુપ્તાએ વધુમાં ઉમેર્યું કે આચારસંહિતા અમલ વેળાએ  સરકારી તંત્ર દ્વારા વેપારી વર્ગને ખોટી રીતે હેરાન ન કરવામાં આવે તે બાબતનું ધ્યાન રાખવું આવશ્યક છે.   

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer