બંદર પ્રશાસનિક અધિકારીઓને સામાન્ય વચગાળાની રાહત મળતાં ભારે અસંતોષ

ગાંધીધામ, તા. 13 : લાંબા સમયથી ઘાંચમાં પડી ગયેલી બંદર પ્રશાસનિક અધિકારીઓની વેતન સુધારણા સંદર્ભે ગઇકાલે શિપિંગ મંત્રાલયે એક આદેશ જારી કરીને બહુ જ સામાન્ય રકમ વચગાળાની રાહત તરીકે આપવા જણાવતાં અધિકારીઓમાં અસંતોષનો ચરૂ ઊકળ્યો છે. અધૂરામાં પૂરું લોકસભા ચૂંટણીની આચારસંહિતા લાગુ થઇ જવાથી આ મુદ્દે હાલતુરત તો સુધારાનો પણ અવકાશ નથી.અહીંના દીનદયાળ પોર્ટ ટ્રસ્ટના અધિકારિક વર્તુળોમાંથી મળતી માહિતી પ્રમાણે મહાબંદરગાહોના પ્રશાસનિક અધિકારીઓની વેતન સુધારણા લાંબા સમયથી અટકી હતી. આ અંગે નવી દિલ્હી સુધી વારંવાર રજૂઆત પણ થઇ હતી. ડીપીટીના ઇન્ચાર્જ અને ઇન્ડિયન પોર્ટસ એસોસિયેશનના અધ્યક્ષ સંજય ભાટિયાએ આ મામલે તમામ મહાબંદરગાહોના અધ્યક્ષોની બેઠકો યોજીને એક દરખાસ્ત તૈયાર કરી હતી જે શિપિંગ મંત્રાલયને મોકલાઇ હતી. આશ્ચર્ય વચ્ચે મંત્રાલયે આ દરખાસ્તને જાણે કે કચરાટોપલીમાં ફેંકી દીધી હોય તેમ તેમાં સૂચવાયેલા વધારાને બિલકુલ ધ્યાને લીધો નથી. ડીપીટીના કેટલાક અધિકારીઓએ આ વચગાળાની (એરિયર્સ વગરની) રાહતને ચણા-મમરા સમાન ગણાવી પોતાનો અસંતોષ વ્યક્ત કર્યો હતો. ઉચ્ચાધિકારીઓને પણ આ વચગાળાની રાહત માત્ર રૂા. 1200 જેવી જ નસીબ થતી હોવાનું તેમણે ઉમેર્યું હતું. દરમ્યાન ડીપીટીના કેટલાક ઓફિસર્સ એસો.ના હોદ્દેદારોએ આ વચગાળાની રાહત બહિષ્કારના ચક્રો ગતિમાન થયા હોવાનો સંકેત આપ્યો હતો. લોકસભા ચૂંટણીના બ્યૂગલ ફૂંકાઇ ગયા છે બરાબર ત્યારે જ દેશના 12 મહાબંદરગાહોના અધિકારીઓમાં અસંતોષનો ચરૂ ઊકળવા લાગતાં આગામી દિવસોમાં તે કેવો રંગ પકડે છે તે તરફ સૌની મીટ મંડાઇ છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer