ગાંધીધામના ગીચ વિસ્તારમાં સફાઇ પ્રશ્ને લોકો નારાજ

ગાંધીધામ, તા. 13 : શહેરના મધ્યમવર્ગીય એવા ભારતનગર વિસ્તારમાં સફાઇ ન થતાં અહીંના વેપારીઓએ પાલિકામાં આ અંગે રજૂઆત કરી હતી. વિકસિત શહેરના ગીચ વસ્તી ધરાવતા વિસ્તારમાં મોટાભાગે સફાઇનો અભાવ રહે છે. હાલમાં જ અનેક રજૂઆતો બાદ માંડ-માંડ આ વિસ્તારમાં સફાઇ કરવામાં આવી હતી, તેમાં પણ સફાઇ કર્યા બાદ કચરાના ઢગલા રોડની વચ્ચે મૂકી દેવાયા હતા, જેના કારણે માર્ગ પરથી પસાર થતા લોકોને સમસ્યાનો સામનો કરવાનો વારો આવ્યો હતો તેમજ આ અધવચ્ચે પડેલા કચરાના ઢગલામાંથી કચરો ઊડીને દુકાનોમાં તથા લોકોનાં મકાનોમાં જઇને પડયો હતો. આ વિસ્તારના મુખ્ય માર્ગની સફાઇ મોટાભાગે વેપારીઓ દ્વારા કરવામાં આવે છે તેમજ આંતરિક માર્ગો ઉપર સફાઇ કરવા વર્ષોથી કોઇ ફરક્યું નથી.  ક્યારેક આવતા સફાઇ કર્મીઓ કચરાથી ભરેલી હાથગાડી દુકાનોની આગળ મૂકીને ચાલ્યા જતા હોય છે, બાદમાં આ કચરો સમગ્ર બજારમાં ફેલાય છે. આવા વલણ અંગે અનેક વખત લેખિત, મૌખિક ફરિયાદો કરવા છતાં કોઇ ઉકેલ આવ્યો નથી. પાલિકાના પ્રમુખને વેપારીઓએ લેખિત રજૂઆત કરી આ પીડામાંથી છુટકારો અપાવવા માંગ કરી  હતી. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer