સહિયારા પ્રયાસ થકી સમાજની પ્રગતિ શક્ય

સહિયારા પ્રયાસ થકી સમાજની પ્રગતિ શક્ય
ભુજ, તા. 16 : સમાજ સમર્પિત વ્યક્તિઓ ભેગા મળીને વિકાસના કાર્યો હાથમાં લે તો સમાજને દરેક ક્ષેત્રે સફળતા પ્રાપ્ત થાય છે, દરેક જ્ઞાતિજનને આવકનો અમુક હિસ્સો સદ્કાર્યોમાં વાપરવું જોઇએ, ત્યારે જ લક્ષ્મીજીની સાચી ઉપાસના શક્ય બને એવું ઉદ્બોધન ભુજ સરપટ નાકા બહાર ત્ર્યંબકેશ્વર રાજગોર સમાજવાડી ખાતે બીજા અને ભુજ સમાજ દ્વારા ત્રીજા પાર્ટી પ્લોટને ખુલ્લો મૂકતા ઉપસ્થિત સમાજ અગ્રણીઓએ જણાવ્યું હતું. પ્રારંભે ઢોલ-શરણાઇની સુરાવલિ અને વૈદિક મંત્રોચ્ચાર દ્વારા દાતા કાશીબેન દયારામ ચત્રભુજ મોતા પરિવાર હસ્તે રક્ષાબેન શૈલેશભાઇ મોતાના હસ્તે ત્ર્યંબકેશ્વર મંદિર મુખ્ય પ્રવેશ લોકાર્પણ બાદ વર્ષો પહેલાં ભૂમિ સંપાદન કાર્યમાં મહામૂલ્ય યોગદાન આપનાર તત્કાલીન સમાજ પ્રમુખ અને ભુજ શહેરની સુખાકારી માટે અનેકવિધ કાયમી સંભારણા સમાન કાર્ય કરનાર માજી નગરપતિ સ્વ. રતિલાલ ગાંધીની પુણ્ય સ્મૃતિમાં તેમના ધર્મપત્ની માકાણી સરસ્વતીબેન રતિલાલ ગાંધી પરિવારના મુખ્ય આર્થિક સહયોગ વડે તેમના નામથી નૂતન પાર્ટી પ્લોટ ખુલ્લો મુકાયો હતો. આ અવસરે પ્લોટમાં નિર્માણાધીન અન્નપૂર્ણા ઘરના દાતા શાંતાબેન વૃજલાલ બાવા, જલધારા નિર્માણના દાતા રમીલાબેન પ્રફુલ્લ જોશીએ સુવિધાઓનું પૂજન-અર્ચન કર્યું હતું. સમાજ પ્રમુખ જનકરાય યુ. નાકરના અધ્યક્ષસ્થાને યોજાયેલા સાદા સમારંભમાં સ્વાગત પ્રવચન પછી પાર્ટી પ્લોટના સહયોગીઓનું પુષ્પગુચ્છથી જ્ઞાતિના હોદ્દેદારો તનસુખ જોશી, ચંદ્રકાંત ગોર, વિજય ગોર, ભરત નાકર અને ઉર્વશી બાવાના હસ્તે બહુમાન કરાયું હતું. પ્રાસંગિક પ્રવચનમાં સમાજરત્ન રેવાશંકર માકાણી અને જાણીતા કવિ જયંતીભાઇ જોશી `શબાબ'એ મુખ્ય દાતા પરિવારના રતિલાલ ગાંધી સાથેના સંસ્મરણો વાગોળીને ગાંધીની લોકો અને સમાજ પ્રત્યે મદદરૂપ થવાની લાગણીને બિરદાવી હતી. અંદાજિત પંદરેક લાખના ખર્ચે નિર્માણ પ્લોટમાં પર્યાવરણને ધ્યાનમાં રાખીને વર્ષો પહેલાં વવાયેલા પીપળા અને આંબલીના ઘટાદાર વૃક્ષનું જતન કરાયું છે. સમાજના મોવડીઓએ સમાજ સિવાયના અન્ય આર્થિક નબળા પરિવારોને પાર્ટી પ્લોટમાં શુભ પ્રસંગોની ઉજવણીમાં ભાડાંમાં રાહત આપવાનું વિચાર્યું છે. દાતા પરિવારના અને નગરસેવિકા ગોદાવરીબેન ઠક્કરે સમાજે આપેલા મોટા બહુમાનને લાગણીવશ સ્વરે સ્વીકારીને આભાર પ્રગટ કર્યો હતો. મંત્રોચ્ચાર વિધિ-વિધાન સમાજના ખરાશંકર ગોરે કર્યા હતા. આ પ્રસંગે પ્રકાશભાઇ પેથાણી (પ્રમુખ અખિલ કચ્છી રાજગોર મહાસભા), માજી પ્રમુખ કાંતિલાલ ઉગાણી, કેશવલાલ ગોર, રમેશભાઇ દેવલાલી, રાહુલભાઇ ગોર (દંડક ભુ.ન.પા.), ફાલ્ગુનીબેન ગોર (નગરસેવિકા), હેમલતાબેન ગોર (માજી ન.પા. પ્રમુખ), કચ્છ અને બૃહદ કચ્છના અગ્રણીઓ, વિવિધ મંડળના પ્રમુખો, સેવાભાવી કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન દીપ્તિબેન નાગુ અને આભારદર્શન 38મા સમૂહલગ્ન સમિતિ પ્રમુખ બંસીલાલ માલાણીએ કર્યા હતા. વ્યવસ્થા કારોબારીના પુરુષ અને મહિલા સભ્યોની સાથે સમૂહલગ્ન સમિતિના કાર્યકર્તાઓએ સંભાળી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, સન 1992-93માં ત્ર્યંબકેશ્વર સમાજવાડી ખાતે બાંધકામ કરાયેલા વિશ્રાંતિ ભવનમાં સૂવા- ઊઠવાની નવી સામગ્રીઓ સહિતની પણ સુવિધાઓ આકાર પામી હતી. પંદરેક રૂમો તૈયાર થઇ જતાં હવે જ્ઞાતિ તથા અન્ય લોકો માટે સગવડ ઉપલબ્ધ થતાં આનંદની લાગણી પ્રસરી ગઇ હતી. આવતીકાલે રવિવારે આર.ટી.ઓ. સમાજવાડી ખાતે 38મા સમૂહલગ્ન યોજાશે, જેમાં 13 યુગલો પ્રભુતામાં પગલાં માંડશે અને 38 જેટલા બટુકો જનોઇ ધારણ કરશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer