મહિલા સામખ્ય મહિલાઓના વિકાસ માટે પ્રયત્નશીલ

મહિલા સામખ્ય મહિલાઓના વિકાસ માટે પ્રયત્નશીલ
ભુજ, તા. 16 : મહિલા સામખ્ય ભુજ દ્વારા અંજારમાં તાલુકાની ગ્રામ્ય સ્તરની મહિલાઓ માટે રોજગારીની માહિતી આપતો સેમિનાર અને ભચાઉમાં શિક્ષણ વર્કશોપ યોજાયા હતા.તા. 14/2ના અંજાર તાલુકા પંચાયત હોલમાં સ્વરોજગાર અંતર્ગત માહિતી અને માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો. જેમાં તાલુકાની ગ્રામ્ય સ્તરની મહિલાઓ આર્થિક રીતે પગભર થાય તેમજ સમાજમાં તેમનો માન-મોભો વધે તેમજ પરિવારનો વિકાસ થાય તે માટે માર્ગદર્શન અપાયું હતું.કાર્યક્રમમાં એનાર્ડે ફાઉન્ડેશનના વિપુલભાઈ, દેના સ્વરોજગાર તાલીમ સંસ્થાન કેન્દ્રના મિલાપભાઈ વૈષ્નવ, તાલુકા ઉપપ્રમુખ જ્યોત્સનાબેન દાસ તેમજ વેસ્ટિજ કંપનીના દેવાભાઈ આહીર અને નયનાબેન હાજર રહ્યા હતા. જિલ્લા રિસોર્સ પર્સન રીટાબેન કે. પટેલે મહિલા સામખ્ય કાર્યક્રમ શિક્ષણ, આરોગ્ય, કાયદો, આર્થિક અને પંચાયતી રાજ તેમજ તાલીમ, મિટિંગો અને વર્કશોપ દ્વારા જાગૃતિ લાવી મહિલાઓના સર્વાંગી વિકાસ માટે પ્રયત્નશીલ હોવાનું જણાવ્યું હતું. સી.આર.પી. રીટાબા એમ. ગોહિલ, સરલાબેન બી. શેખાએ વ્યવસ્થા સંભાળી હતી. સંચાલન રેખાબેન વી. સોલંકીએ કર્યું હતું.તા. 15/2ના ભચાઉ તાલુકાના ગ્રામ્ય સ્તરની મહિલાઓ માટે ધોળકિયા કન્યા વિદ્યાલયમાં શિક્ષણ વર્કશોપ યોજાયો હતો. જેમાં તાલુકા વિકાસ અધિકારી, શાળાના પ્રિન્સિપાલ ચંદ્રિકાબેન, સંસ્થાના ખીમજીભાઈ હાજર રહ્યા હતા. જિલ્લા રિસોર્સ પર્સન રીટાબેને જણાવ્યું હતું કે, શિક્ષણની જરૂરિયાત, શિક્ષણ એટલે વાંચતા-લખતાં આવડે એટલું જ નહીં, મહિલા સામખ્યની પરિભાષામાં બહેનો ઘરની બહાર નીકળી પોતાના પ્રશ્નો માટે બહેનો એકસાથે મળી ગ્રામ પંચાયતથી જિલ્લા પંચાયત સુધી પોતાના પ્રશ્નોની રજૂઆત કરી શકે તે પણ શિક્ષણ જ છે. ડ્રોપઆઉટ, કિશોરી અને બહેનો માટે આગળ અભ્યાસ કરવા માટે તમામ કાર્યવાહી કરાય છે. આ દિવસે દરેક બહેનોએ પ્રતિજ્ઞા લીધી કે અમે અમારી દીકરીઓને ભણાવશું તેમજ અધવચ્ચેથી ઊઠાડીશું નહીં.સી.આર.પી. કલ્પનાબેન વી. જોષી, રેખાબેન સોલંકી, કંકુબેન એલ. પાસિયાએ વ્યવસ્થા સંભાળી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer