માનવજ્યોતની સેવાઓને `ગ્લોરી ઓફ ગુજરાત એવોર્ડ'' દ્વારા સન્માનતા ગુજરાતના રાજ્યપાલ

માનવજ્યોતની સેવાઓને `ગ્લોરી ઓફ ગુજરાત એવોર્ડ'' દ્વારા સન્માનતા ગુજરાતના રાજ્યપાલ
ભુજ, તા. 16 : ઈન્ડિયન કાઉન્સિલ ઓફ સોશિયલ વેલ્ફેર અમદાવાદ દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજના પ્રબોધ મુનવરને રાજભવન ગાંધીનગરમાં રાજ્યપાલ ઓ.પી. કોહલીના હસ્તે ગ્લોરી ઓફ ગુજરાત એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો. જિલ્લામાંથી શ્રી મુનવરની માનવસેવા-જીવદયા અને પર્યાવરણની પ્રવૃત્તિઓ તથા ગુમ થયેલા લોકોને શોધી આપી તેમના ઘર સુધી પહોંચાડવાની પ્રવૃત્તિ, અન્નનો બગાડ અટકાવવાની કામગીરીને લક્ષમાં રાખીને આ એવોર્ડ અર્પણ થયો. આ પ્રસંગે સમારોહનું અતિથિવિશેષ પદ દેવાંગભાઈ પટેલ, સમીરભાઈ શાહ, મનુભાઈ વ્યાસ, ડો. ચંદ્રકાન્ત મહેતા, સી.કે. પટેલ, ડો. શૈલેશભાઈ ઠાકર, સૂરદભાઈ પટેલ, જે.પી. પાંડે તથા બાબુભાઈ મેઘજી શાહે શોભાવ્યું હતું. પ્રારંભે સ્વાગત પ્રવચન સી.કે. પટેલે કર્યું હતું. રાજ્યપાલનું સન્માન મંચસ્થોએ કર્યું હતું. રાજ્યના વિવિધ જિલ્લાઓના 30 એવોર્ડીઓનું રાજ્યપાલના હસ્તે સન્માન કરી ગ્લોરી ઓફ ગુજરાત એવોર્ડ અર્પણ કરાયા હતા. ડો. ચંદ્રકાન્ત મહેતાએ પ્રાસંગિક ઉદ્બોધન કરતાં જણાવ્યું હતું કે, માનવસેવાની ભાવના માનવતાને ઉજાળે છે. જેમણે માનવતાની મહાપૂજા કરી છે તેમના નામ ભગવાનના ચોપડે લખાઈ ચૂક્યા છે. આ પ્રસંગે જાણીતા ક્રિકેટર પાર્થિવ પટેલ, ટીવી કલાકાર કિંજલ રાજપરિયા, ધ્વનિત ઠાકર, સિદ્ધાર્થ રાંદેરિયા ઉર્ફે ગુજ્જુભાઈને પણ રાજ્યપાલ એવોર્ડ અર્પણ થયા હતા. રાજ્યપાલ ઓમપ્રકાશ કોહલીએ સમારોહના અધ્યક્ષ સ્થાનેથી ઉદ્બોધન કરતાં જણાવ્યું હતું કે, લોકસેવાની ભાવના ગુજરાતની વિશિષ્ટતા છે. લોકો સરકાર કામ કરશે તેવું નથી કહેતા પણ પોતાના પૈસા ખર્ચી સારું કામ કરે છે. આ પરમાર્થીઓનું સન્માન છે. ગુજરાતનું ગૌરવ આ બંધુઓના કારણે છે. કાર્યક્રમનું સંચાલન ફાલ્ગુબેન શાહે કર્યું હતું, આભારદર્શન જે.પી. પાંડેએ કર્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer