ભરાડા હવે ડી.આઇ.જી., પ.કચ્છમાં તોલુંબિયા

ભુજ, તા. 16 : રાજ્યના ગૃહવિભાગ દ્વારા આજે પોલીસ દળના આઇ.પી.એસ. અધિકારીઓની બઢતી અને બદલીના આદેશ કર્યા હતા. જેમાં અગાઉ નાયબ પોલીસ મહાનિરીક્ષક ગ્રેડમાં મુકાયેલા પશ્ચિમ કચ્છ પોલીસ જિલ્લા (ભુજ) અધીક્ષક એમ.એસ. ભરાડાને બઢતી સાથે અમદાવાદ શહેરમાં અધિક કમિશનર પદે સેકટર-2માં મુકાયા છે. જ્યારે તેમના સ્થાને પશ્ચિમ કચ્છના પોલીસ અધીક્ષક તરીકે 2007ની બેચના આઇ.પી.એસ. અધિકારી સૌરભ તોલુંબિયાને અમદાવાદ ખાતેથી નિયુકત કરાયા છે.  સત્તાવાર સાધનોએ આપેલી માહિતી મુજબ ગૃહવિભાગ દ્વારા રાજ્યના કુલ્લ 19 આઇ.પી.એસ. અધિકારીની બદલી અને બઢતીના આદેશ કર્યા હતા. જેમાં ગત વર્ષ દરમ્યાન ડી.આઇ.જી. કેડરમાં પસંદગી પામેલા પશ્ચિમ કચ્છ એસ.પી. એમ.એસ. ભરાડાને આ હુકમોમાં અધિક કમિશનર તરીકે અમદાવાદ શહેર સેકટર-2માં નિયુકત કરવામાં આવ્યા છે. આ સ્થાન ઉપર અત્યાર સુધી અગાઉ કચ્છમાં ફરજ બજાવી ગયેલા અશોકકુમાર યાદવ ફરજ બજાવી રહ્યા હતા. જ્યારે પશ્ચિમ કચ્છ એસ.પી.ની ખાલી પડેલી જગ્યા ઉપર અમદાવાદ શહેર ઝોન-6ના નાયબ કમિશનર સૌરભ તોલુંબિયાની નિમણૂક કરવામાં આવી છે. તેઓ વર્ષ 2007ની બેચના આઇ.પી.એસ. છે. દરમ્યાન ગૃહવિભાગ દ્વારા તાલીમ પૂર્ણ કરનારા ગુજરાત કેડરના ત્રણ આઇ.પી.એસ. અધિકારીને વિભાગીય પોલીસ અધિકારી તરીકે નિમણૂક આપવામાં આવી છે. તો બિનહથિયારી વર્ગ-1માં આવતા 32 નાયબ પોલીસ અધીક્ષકની જાહેર હિતમાં બદલીઓ કરાઇ છે. આ આદેશમાં પશ્ચિમ કચ્છ પોલીસ જિલ્લાના વડા મથકના ડીવાય. એસ.પી. જે.કે. જયસ્વાલને સી.આઇ.ડી. ક્રાઇમ ગાંધીનગર ખાતે બદલાવાયા છે. જ્યારે તેમના સ્થાને ભુજ હેડ કવાર્ટરમાં અમરેલીથી બી.એમ. દેસાઇને નિમણૂક અપાઇ છે. બીજી બાજુ રાજ્યના પોલીસ બેડાના ચાર બિનહથિયારી ઇન્સ્પેકટરને નાયબ પોલીસ અધીક્ષક વર્ગ-1માં બઢતી આપતા આદેશ પણ કરવામાં આવ્યા છે. જેમાં પૂર્વ કચ્છ પોલીસ જિલ્લાના ઇન્સ્પેકટર એચ.એલ. રાઠોડને રાજકોટ શહેર  પૂર્વ ઝોનમાં મદદનીશ કમિશનર તરીકે મૂકવામાં આવ્યા છે.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer