કુશલની કમાલથી લંકાની યાદગાર જીત

ડર્બન, તા. 16 : શ્રીલંકાએ ડર્બનમાં રમાયેલી શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચમાં યજમાન દક્ષિણ આફ્રિકા પર એક વિકેટથી રોમાંચક જીત મેળવી હતી. શ્રીલંકા માટે આખરી વિકેટ માટે કુશલ પરેરા (153 અણનમ) અને વિશ્વ ફર્નાન્ડોએ 78 રનની ભાગીદારી કરીને ટીમને વિજય અપાવ્યો હતો. આ જીતેલી ટેસ્ટ મેચમાં ચોથા દાવમાં 10મી વિકેટ માટે સૌથી મોટી ભાગીદારી છે. આ પહેલાં 1994માં પાકિસ્તાનના ઈન્ઝમામ-ઉલ-હક અને મુશ્તાક અહેમદે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ કરાચીમાં 57 રન જોડયા હતા. આ પહેલાં કસૂન રંજિતા જ્યારે એક રન બનાવીને કેશવ મહારાજના બોલમાં એલબી- ડબલ્યુ થયો ત્યારે લંકા પર હારનો ખતરો વધુ ગાઢ બન્યો હતો. સ્કોર હતો 226 અને 9મી વિકેટ પડી ગઈ હતી. આ સંજોગોમાં 304નું લક્ષ્ય બહુ દૂર અને વિકટ લાગી રહ્યું હતું. પરેરા દાવમાં હતો, લક્ષ્ય દૂર હતું, પરંતુ ક્રિકેટ અનિશ્ચિતતાની રમત કહેવાય છે. પરેરાએ ફર્નાન્ડો સાથે મળીને લંકન દાવને સંભાળવાનું શરૂ કર્યું હતું અને આ જોડીએ ધીરે-ધીરે દક્ષિણ આફ્રિકાની ટીમ પર તનાવનાં વાદળો લાવી દીધાં હતાં અને જેવો રબાડાના બોલ પર થર્ડમેન પર ચોગ્ગો ફટકાર્યો કે તે સાથે જ શ્રીલંકાએ એક વિકેટે જીત દર્જ કરી હતી. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer