રાષ્ટ્રીય બેડમિન્ટન સ્પર્ધા : સિંધુને હરાવી સાઇના બની ચેમ્પિયન

ગૌહાતી, તા. 16 : સાઈના નેહવાલે પી.વી. સિંધુને સીધી ગેમમાં હરાવીને 83મી સિનિયર બેડમિન્ટન રાષ્ટ્રીય સ્પર્ધામાં મહિલા સિંગલ્સનો ખિતાબ જાળવી રાખ્યો હતો. ત્રણ વખતની ચેમ્પિયન નેહવાલે શાનદાર સ્મેશનો ઉપયોગ કરીને  બે વખતની વિજેતા સિંધુને 21-18, 21-15થી પરાજય આપ્યો હતો. બીજીતરફ પુરુષ સિંગલ્સમાં સૌરભ વર્માએ લક્ષ્ય સેનને પરાજિત કરીને રાષ્ટ્રીય ખિતાબ જીત્યો હતો.ગયા વખતે નાગપુરમાં રમાયેલી સ્પર્ધામાં પણ 2012 ઓલિમ્પિક કાંસ્ય વિજેતા સાઈનાએ સિંધુને પરાજિત કરી હતી.  નેહવાલે 2016 રિયો ઓલિમ્પિક રજત પદક વિજેતા સિંધુને ગોલ્ડ કોસ્ટ રાષ્ટ્રકુળ રમતોત્સવમાં પણ હાર આપી હતી. દરમ્યાન, સૌરભ વર્માએ યુવા લક્ષ્ય સેનને સીધી ગેમમાં હરાવીને સતત ત્રીજી વખત સિનિયર બેડમિન્ટન રાષ્ટ્રીય ચેમ્પિયનનો ખિતાબ જીત્યો હતો. આ પહેલાં 2011 અને 2017માં ખિતાબ જીતી ચૂકેલા સૌરભે એશિયન જૂનિયર ચેમ્પિયન 17 વર્ષના લક્ષ્યને 21-18, 21-13થી હાર આપી હતી. સિનિયર રાષ્ટ્રીય ફાઈનલ્સમાં આ તેનો બીજો મુકાબલો હતો. સૌરભે 2017માં પણ જીત દર્જ કરી હતી. આ પહેલાં બીજો ક્રમ પ્રાપ્ત જેરી ચોપરા અને ચિરાગ શેટ્ટીએ ટોચના ક્રમાંકિત અર્જુન એમઆર અને શ્લોક રામચંદ્રનને 21-13, 22-20થી હરાવીને પુરુષ ડબલ્સ ખિતાબ જીત્યો હતો. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer