ચુનડી ગામે ચબૂતરા-વિવિધલક્ષી હોલનું લોકાર્પણ : આવાસોય બનશે

ચુનડી ગામે ચબૂતરા-વિવિધલક્ષી હોલનું લોકાર્પણ : આવાસોય બનશે
ભુજ, તા. 16 : તાલુકાનાં ચુનડી ગામે મુકેશ અને જિતેન નામના બે ભાઇઓ દ્વારા પક્ષીઓ માટે તેમજ વિવિધલક્ષી હોલ બંધાતાં જીવદયા સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ઉદ્ઘાટન કરાયું હતું. ઋષભદેવ અચલગચ્છ જૈન દેરાસરમાં માંગલિકથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. 31 વર્ષ પછી આવેલા સાહિત્ય દિવાકર પ.પૂ. આચાર્ય ભગવંત કલાપ્રભ સાગરસૂરિશ્વરજી મ.સા.ના શિષ્ય મુનિરાજ મુક્તિરત્નસાગરજી મ.સા.એ પ્રવચનમાં જણાવ્યું હતું કે, જીવમાત્ર પ્રત્યે મૈત્રી છે,  ત્યાં ધર્મ છે. અહિંસા વગર ધર્મ શોભે નહીં. પ્રવચનમાં ઉપસ્થિતોને જીવદયા કાર્યો કરવા માટે સંકલ્પ લેવડાવ્યા હતા. વધુમાં તેમણે કહ્યું હતું કે, આ ગામમાં જ્ઞાતિજનો માટે એક આવાસ યોજના બનવી જોઇએ જેથી કચ્છ બહાર વસતા પરિવાર અહીં અવારનવાર આવે ત્યારે તેમને રહેવાની અગવડ ન થાય. ચુનડી જૈન મહાજનના પદાધિકારીઓ દ્વારા ચબૂતરો તેમજ વિવિધલક્ષી હોલ બનાવી આપનાર બિદડાના  નાગજી વેલજી, હરખચંદ વેલજી, વિજય નાગજી, મુકેશ નાગજી, રાજુ નાગજી, જિતેન મૂલચંદનું સન્માન કરવામાં આવ્યું હતું. મૂલચંદ વેલજી (મામા)એ જણાવ્યું હતું કે, પંખીઓ પણ મનુષ્યની જેમ મેળાવડો કરી શકે તે માટે આ ચબૂતરાને પંખી જો મેળાવડો નામ આપવામાં આવ્યું છે. જ્યારે વિવિધલક્ષી હોલનું નામ માતા મેઘબાઇ અને પિતા વેલજીના નામ પરથી મેઘવેલા આપવામાં આવ્યું છે. પરિવાર દ્વારા એક લાખ રૂપિયાનું દાન જીવદયા માટે ફાળવવામાં આવ્યું હતું. સ્વ. મેઘબાઇ વેલજીના પરિવાર દ્વારા ગામની ગાયોને એક મોટી ગાડી લીલાચારાનું નીરણ પણ કરાવવામાં આવ્યું હતું. વિવિધલક્ષી હોલમાં ગામજનો દ્વારા લાયબ્રેરી ચાલુ કરવામાં આવશે. કાર્યક્રમનું સંચાલન ચુનડી જૈન મહાજનના ટ્રસ્ટી રવિભાઇ ખીમજી ગંગરે કર્યું હતું. આ કાર્યક્રમમાં ગામના સરપંચ, ઉપસરપંચ સહિત મોટી સંખ્યામાં મુંબઇગરા તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer