ગાંધીધામ સંકુલમાં રસ્તા સાંકડા અને વાહનોના ખડકલા

ગાંધીધામ સંકુલમાં રસ્તા સાંકડા અને વાહનોના ખડકલા
અદ્વૈત અંજારિયા દ્વારા
ગાંધીધામ, તા. 16 : કચ્છનું આર્થિક પાટનગર ગણાતું પંચરંગી ગાંધીધામ અને આદિપુર શહેર કંડલા (હવે દીનદયાળ) બંદરને કારણે વિકાસની પાંખે સવાર થયું. આવતીકાલે આ સંકુલ તેનો સ્થાપના દિવસ ઊજવવા જઈ રહ્યું છે ત્યારે શહેરના આદ્ય થાપક ભાઈપ્રતાપે દૂરંદેશીથી બનાવેલા પહોળા રસ્તા અત્યારે આડેધડ દબાણ, ધનપતિઓના વાહનોના ખડકલાને લઈને ટૂંકા-સાંકડા પડી રહ્યા છે. શહેરીજનોને ટ્રાફિકના નિયમો પાળવામાં અને પોલીસને તે પળાવવામાં ઈચ્છાશક્તિનો અભાવ નડી રહ્યો છે. પરિણામે ઓસ્લો સર્કલ હોય કે મુખ્ય બજારનું ગાંધી માર્કેટ સર્કલ બધે જ અમુક સમયે તો ટ્રાફિક કલાકો જામ થઈ જાય છે.સંકુલના અગ્રણીઓ આ માટે વિવિધ સૂચનો કરતાં રહે છે. પોલીસની ટ્રાફિક કમિટીમાં પણ મુદ્દા ચર્ચાતા રહે છે પરંતુ અમલીકરણની દિશામાં હજુ પાપા પગલી પણ થઈ?નથી. `કચ્છમિત્ર'એ આ માટે ખાસ આગેવાનોથી વાતચીત કરી અને તેમના મંતવ્યો અહીં રજૂ કર્યા છે. લગભગ તમામ લોકો ટ્રાફિકના નિયમ પાલનમાં કડકાઈનો સીધો કે આડકતરો ઉલ્લેખ કરી રહ્યા છે.અરજણભાઈ કાનગડ : જિલ્લા ટ્રાફિક સમિતિ (પૂર્વ કચ્છ)ના અધ્યક્ષ અને ગાંધીધામ સંકુલના અગ્રણી અરજણભાઈએ કહ્યું હતું કે ટ્રાફિક નિયમન માટે ટ્રાફિક બ્રિગેડ બનાવાઈ છે. બ્રિગેડના ઘણાખરા સભ્યોને જ ટ્રાફિકના નિયમોનું પૂરતું જ્ઞાન નથી. ઉપરાંત ટાગોર રોડ જેવા વ્યસ્ત રસ્તે ઊભેલા ઘણા બ્રિગેડ જવાનો મોબાઈલમાં ગેમ જ રમતા રહે છે.આ ઉપરાંત ઓસ્લો સહિતના સર્કલ ખૂબ મોટા છે જે નાના કરવા જરૂરી છે. રાજવી ફાટક પાસે ડિવાઈડર બનાવાયા છે, પરંતુ તેમાં મુકાયેલા કટ ફાટકથી ઘણા નજીક છે જે ખરેખર 100 મીટર દૂર હોવા જોઈએ. લોકો નિયમો પાળે, બેલ્ટ બાંધે, હોર્ન ન વગાડે વગેરે અંગે ગાંધીધામવાસીઓ ઘણા બેદરકાર છે. જો સૌ નિયમમાં માનતા થાય તો ગાંધીધામની ટ્રાફિક સમસ્યા મોટી નથી.જ્યાં જ્યાં સિગ્નલ લગાડાયા છે ત્યાં ત્યાં ઝિબ્રા ક્રોસિંગ, પીળા-સફેટ પટ્ટા, સિગ્નલ પીળું થાય એટલે વાહન ઊભું રાખવાના બદલે નીકળી જવાની હોડ વગેરે અંગે જરૂરી તાલીમ, જ્ઞાન અપાવું જોઈએ. તેમણે ટ્રાફિક કમિટીમાં સતત આ બધી રજૂઆત કરી હોવાનું ઉમેર્યું હતું.દિનેશભાઈ ગુપ્તા : રાજ્યની મહત્ત્વની ગણાતી અહીંની વેપારી સંસ્થા ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દિનેશભાઈએ કહ્યું હતું કે પૂર્વ કચ્છ પોલીસવડા સમક્ષ ચેમ્બરે અનેક મુદ્દે રજૂઆત કરી છે. શહેરને લાગેવળગે છે ત્યાં સુધી સિગ્નલ જાળવણીના અભાવે બંધ થઈ જવા, સર્કલ નાના કરવા, ઝોન ગોલાઈથી કારગો સુધીના સર્વિસ રોડ ઉપર કરાતું આડેધડ પાર્કિંગ વગેરે દુરસ્ત થવું જરૂરી છે.આ ઉપરાંત સામખિયાળી અને સૂરજબારી ટોલ નાકે જામ થતી ટ્રાફિકની મોટી સમસ્યા છે. 500 મીટરથી વધુની લાઈન થઈ જાય તો ટ્રાફિક ક્લીયર કરવો વગેરે બાબતે પોલીસવડાનું ધ્યાન દોર્યું છે. પડાણા પાસે પુલની મરંમત લાંબા સમયથી થતી નહીં હોવાથી ત્યાં પણ ટ્રાફિક જામની ગંભીર સમસ્યા છે તેવું તેમણે ઉમેર્યું હતું.સંજય જાગેશિયા : ગાંધીધામ લાયન્સ કલબના પ્રમુખ સંજયભાઈએ કહ્યું હતું કે ટાગોર રોડથી માંડીને રાષ્ટ્રીય ધોરીમાર્ગ સુધી લગભગ તમામ રસ્તે થયેલા દબાણ ટ્રાફિકને સુચારુ બનાવવામાં મોટી અડચણ છે. લેન સિસ્ટમમાં કઈ રીતે ચાલવું તેનું જ્ઞાન ન હોવાથી મહિલા, બાળકો, છકડા વગેરે વાહનો સ્પીડ લેનમાં ચાલે છે. છકડા કે રિક્ષા જેવાં વાહનો ઉતારુ લેવા- ઉતારવા માટે સર્કલ કે વળાંક ઉપર અચાનક ઊભા રહી જાય છે. ડાબી બાજુ ચાલો તેવું જ્ઞાન પણ ઘણાને નથી.તેમણે પણ મોટા સર્કલ નાના કરવા, તેની ઊંચાઈ પણ ઘટાડવા સૂચન કર્યું હતું. પોલીસ સલામતી સપ્તાહની ઉજવણી સિવાય પણ લોકોને ટ્રાફિકના નિયમો, લેન પદ્ધતિની યોગ્ય જાણકારી આપે તેવો અનુરોધ તેમણે કર્યો હતો.સંજય ગાંધી : શહેર કોંગ્રેસના પ્રમુખ અને વિવિધ સામાજિક સંસ્થા સાથે સંકળાયેલા સંજયભાઈ ગાંધીએ કહ્યું હતું કે લાખોના ખર્ચે બેસાડાયેલા સિગ્નલ લગભગ બંધ પડ્યા છે. તેના મેઈનન્ટન્સ અને વીજબિલ ભરણાં મુદ્દે નગરપાલિકા અને પોલીસ તંત્ર વચ્ચેનો ગજગ્રાહ તે માટે કારણભૂત છે. જો સિગ્નલ કામ ન આવે તો સંસ્થાઓનો લાખોનો ખર્ચ એળે જાય છે. હવે પછી આવા કામોમાં સંસ્થાઓ આગળ આવતાં પહેલાં બે વાર વિચારશે.તેમણે પણ સર્વિસ રોડ ઉપરનાં દબાણો દૂર કરી તે રસ્તા પહોળા કરવા, આડેધડ ઠોકી દેવાતાં હોર્ડિંગ્સ, બેનરો ઉપર રોક લગાડવી, ટ્રાફિકના નિયમોનો સૌ અમલ કરે તેવા પ્રયાસ કરવા ઉપર ભર મૂકયો હતો.ગાંધીધામ ટ્રાફિક પી.એસ.આઈ. : ગાંધીધામ સંકુલની ટ્રાફિક સમસ્યા સંદર્ભે સિટી ટ્રાફિક પોલીસના પી.એસ.આઈ. એમ.એમ. વાઢેરનો સંપર્ક કરતાં તેઓએ જણાવ્યું હતું કે સંકુલમાં રોજિંદી બનેલી ટ્રાફિક સમસ્યા નિવારવા માટે પ્રજાની સ્વયં જાગૃતિ મહત્ત્વનો ભાગ ભજવે છે. જો લોકો પોતાની રીતે વ્યવસ્થિત વાહન પાર્કિંગ કરવા લાગે તો મુશ્કેલીઓમાં ઘડાટો થશે તેમજ ટ્રાફિક નિયમન અંગેની જરૂરી જાણકારીથી અકસ્માતોનું પ્રમાણ ઘટશે. વર્તમાન સમયમાં વાહન પાર્કિંગ માટે ઊભી કરેલી વ્યવસ્થા મુજબ વાહન ઊભા રાખવા તેમણે અનુરોધ કર્યો હતો. ગાંધીધામના બંધ પડેલા ટ્રાફિક સિગ્નલો મુદ્દે પૂછતાં તેઓએ ગાંધીધામ સુધરાઈ સાથે યોગ્ય રીતે પરાર્મશ કરી પ્રશ્ન ઉકેલવાનો પ્રયાસ કરવામાં આવશે એવું ઉમેર્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer