વવારમાં ગૌસેવા માટે અનોખી પ્રવૃત્તિઓ

વવારમાં ગૌસેવા માટે અનોખી પ્રવૃત્તિઓ
વવાર (તા. મુંદરા) તા. 16 : ઘાસચારા તેમજ પાણીની તીવ્ર તંગી આ વરસે પશુપાલકો માટે માથાના દુ:ખાવા સમાન હોવાથી ઓછા પડેલા વરસાદને કારણે સીમાડામાં ઘાસનું તણખલુંય જોવા મળતું નથી, ત્યારે મુંદરા તાલકાના વવાર ગામના ગૌસેવા ટ્રસ્ટે અનોખી કામગીરી કરી છે. 1000 ગામની ગાયો માટે ગૌસેવા ટ્રસ્ટ ખડે પગે સેવા આપી રહ્યું છે. અહીં 571 ગાયો માટે ઢોરવાડો પણ ચાલુ થઈ ગયો છે અને 235 ઢોરની પાછળથી માગણી કરવામાં આવી છે. ગ્રામજનોના પ્રયાસથી જિયો કંપનીનું ટાવર આવતાં ગ્રામજનો દ્વારા આ કંપનીનું ટાવર ગૌશાળામાં નાખવામાં આવ્યું છે. જેનો મહિને રૂા. 9900 ભાડું ગૌસેવા ટ્રસ્ટમાં જશે અને ગાયોના ઘાસચારામાં આ રકમ વાપરવામાં આવશે. શિયાળા, ઉનાળા, ચોમાસાંમાં ખુલ્લામાં રહેતી ગાયોને મુશ્કેલી ન પડે તે માટે એક શેડ પણ તૈયાર થઈ રહ્યો છે, જેની કામગીરી ચાલી રહી છે. ઘાસચારાના સંગ્રહ માટે પણ ગોડાઉન છે. ઉનાળામાં કાળઝાળ ગરમીથી બચવા માટે ફુવાર પદ્ધતિ પણ રાખવામાં આવશે. ગામમાંથી રોટલા એકત્ર કરીને દરરોજ કૂતરાઓને આપવામાં આવે છે. રોટલા નાખનારને ટ્રસ્ટ દ્વારા જ વેતન આપવામાં આવતું હોવાની માહિતી મળી હતી. અત્યારે ગાયોને નીરણમાં મકાઈ તેમજ ગાજર સાથે ઘાસ આપવામાં આવે છે. વીસ વરસથી મુંબઈ મહાજનના સહયોગથી  પક્ષીઓને ચણ નખાઈ રહ્યું છે. ભવિષ્યમાં ગૌશાળાને સોનલ કામધેનુ ગૌશાળા બને એવી યોજના ઘડાઈ રહી છે. અહીં આ ગામમાં આ કપરા વરસમાં કોઈ સારા પ્રસંગે ગાયોના ઘાસચારા માટે ટહેલ નાખવામાં આવે છે ત્યારે ગામલોકો દ્વારા નીરણ માટે પૂરો સહયોગ આપવામાં આવે છે. થોડા સમય પહેલાં જ સોનલ બીજ નિમિત્તે ગ્રામજનો દ્વારા પ1 દિવસનું નીરણ આપવામાં આવ્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer