ઉમરાહની યાત્રાએ જતા સભ્યો માટેના કાર્યક્રમમાં થયા કોમી એકતાનાં દર્શન

ઉમરાહની યાત્રાએ જતા સભ્યો માટેના કાર્યક્રમમાં થયા કોમી એકતાનાં દર્શન
મોટી વિરાણી (તા. નખત્રાણા), તા. 16 : નાના ગામમાં અને તે પણ એક નહીં 8 જણ યાત્રાએ જાય તો એ પ્રસંગ નાના ગામડાં માટે અનેરો હોય અને એ ગામડાંમાં જ્યારે અઢારે આલમ જમણવારમાં જોડાય એ પ્રસંગ અજોડ કહેવાય. નખત્રાણા તાલુકાનાં ડાડોર ગામે વેરાર જુમાભાઈ તેમજ અન્ય સાત જણા ઉમરાહની યાત્રાએ જઈ રહ્યા હોવાથી હિન્દુ-મુસ્લિમ સમાજે યાત્રાએ જતા પરિવારોએ ગામના તમામ સમાજને સમૂહ જમણમાં સામેલ થવા આમંત્રણ આપીને ગામનો ધુવાબંધ જમણવાર યોજ્યો હતો. કોમી એકતાના આ પ્રસંગમાં મૌલાના મુસાભાઈએ પોતાની તકરીરમાં ઉમરાહની સફરની વાત કરીને અલ્લાહના મહાન પયગંબર પણ એકતાનો સંદેશો આપ્યાની વાત કરી હતી. અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ નાના ગામમાં એકમેકમાં એકતાથી હિન્દુ-મુસ્લિમો રહે છે તેથી જ નાના ગામડાં સંપના સાગર નહીં મહાસાગર કહેવાય છે તેમ કહ્યું હતું. આ કાર્યક્રમમાં નખત્રાણા, અરલ, વંગ, દેવીસર, મોટી વિરાણી, ચરાખડા, ચંદ્રનગર, ગોધિયાર, પાવરપટ્ટીના ગામડાંના હિન્દુ-મુસ્લિમો જોડાઈ કોમી એકતાના દર્શન કરાવ્યા હતા. આયોજન ઉમરાહની યાત્રાએ જતા પરિવારો દ્વારા કરવામાં આવ્યું હતું. રાજકીય, સામાજિક, આજુબાજુના ગામોના સરપંચો, ઉલ્માઓ વગેરે હાજર રહ્યા હતા. ગામમાં મેળા જેવો માહોલ સર્જાયો હતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer