શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ-ફંડ માટે 31 કલાક નોબતવાદન

ભુજ, તા. 16 : પુલાવામામાંના આતંકવાદી હુમલા બાદ દેશભરમાં શહીદોને શ્રદ્ધાંજલિ આપવા લોકજુવાળ પ્રવર્તી રહ્યો છે ત્યારે આવા શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ અને શહીદો માટે ફંડ એકત્ર કરવાનો એક અનોખા કાર્યક્રમનું આયોજન થયું છે. જેમાં અહીં જાણીતા નોબત વાદક શૈલેશભાઈ જાની, નોનસ્ટોપ 31 કલાક સુધી નોબત વગાડશે. ભૂતનાથ સત્સંગ મંડળ, ઝૂલેલાલ સોસાયટી અને સંવેદના ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ કાર્યક્રમનો પ્રારંભ તા. 19/2ના સાંજે 7 વાગ્યે ધીંગેશ્વર મહાદેવ મંદિરે દીપ પ્રાગટય કરી થશે.  શહેરીજનો ઉદાર હાથે શહીદો માટે દાન સરવાણી વરસાવે તેવા ઉમદા હેતુથી 31 કલાક સુધી નોબતવાદક શૈલેશભાઈને પ્રોત્સાહિત કરવા આ કાર્યક્રમ કચ્છ-સૌરાષ્ટ્રના નામી કલાકારો જેવા કે, કીર્તિદાન ગઢવી, યોગેશપુરી ગોસ્વામી, ઓસમાણ મીર, ગીતાબેન રબારી, સમરથસિંહ સોઢા, દેવરાજ ગઢવી (નાનો ડેરો),નીલેશ ગઢવી, હરિભાઈ ગઢવી વગેરે ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમ ઉપરાંત તા. 20/2ના સવારે 10 વાગ્યે શહીદોની આત્માની શાંતિ અર્થે મોટા ભાડિયાના કશ્યપ શાત્રી દ્વારા યજ્ઞનુંયે આયોજન ગોઠવાયું છે. જેમાં શહેરની હાઈસ્કૂલો અને કોલેજના છાત્રો હાથમાં ત્રિરંગો લઈ રેલી સ્વરૂપે આવી આ કાર્યક્રમમાં જોડાશે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer