સમાઘોઘાની કંપનીમાં ઉકળતું પીગળેલું લોખંડ માથે પડવાથી બે કામદારનાં મોત

ભુજ, તા. 16 : મુંદરા તાલુકામાં સમાઘોઘા ખાતે કાર્યરત જિન્દાલ સો લિમિટેડ કંપનીમાં આજે વહેલી સવારે પ્રવાહ સ્વરૂપમાં ઉકળતું પીગળેલું લોખંડ માથે પડતાં મૂળ રાજ્ય બહારના વતની એવા બે કંપની કામદાર સરોજકુમાર ભીમસે દાસ (ઉ.વ. 38) અને નયનકુમાર ડંડાયા (ઉ.વ.38) સ્થળ ઉપર જ સળગી જવા સાથે ભડથું થઇને મોતના મુખમાં ધકેલાયા હતા. આ ઘટનાના પગલે કચ્છમાં કાર્યરત નાના-મોટા ઉદ્યોગગૃહો અને તેમાં કામ કરતા કામદારોની સુરક્ષા અને સલામતી વિશેના પેચીદા સવાલોનો મુદ્દો ફરી એકવાર સપાટી ઉપર આવ્યો છે. જિન્દાલ કંપનીના ડી.આઇ.પી.એસ. તરીકે ઓળખાતા મોલ્ડિંગ વિભાગમાં આજે વહેલી સવારે છ વાગ્યાના સુમારે કામદાર અકસ્માત મૃત્યુની  આ ગોઝારી ઘટના બની હતી. ગરમાગરમ પીગળેલું લોખંડ ખાલી કરવાની કામગીરી દરમ્યાન ક્રેઇનનો હુક તૂટતાં આ ઉકળેલું લોખંડી પ્રવાહી માથે પડતાં બન્ને કામદાર સ્થળ ઉપર જ મોતના મુખમાં ધકેલાઇ ગયા હતા.પોલીસ સાધનોએ આ વિશેની માહિતી આપતાં જણાવ્યું હતું કે, ભોગ બનેલા સરોજકુમાર દાસ અને નયનકુમાર ડંડાયા નામના આ બન્ને કામદાર ઉકળતું પીગળેલું લોખંડ ખાલી કરવાની કાર્યવાહીમાં પ્રવૃત્ત હતા તે દરમ્યાન ક્રેઇનનો હુક તૂટવાથી લોખંડનો ઉકળતો રગડો વહન કરતા પાત્રમાંથી ગરમાગરમ પ્રવાહી આ બન્ને ઉપર પડયું હતું. આ પ્રવાહી એટલી હદે ગરમ હતું કે બન્ને હતભાગી સ્થળ ઉપર જ ભડથું થઇ જવા સાથે મૃત્યુ પામ્યા હતા. બન્નેના મૃતદેહની હાલત કંપારી છૂટી જાય તેટલી હદે બિહામણી બની ગઇ હતી. બનાવની જાણ થતાં મુંદરા પોલીસનો કાફલો સ્થાનિકે દોડી જઇને છાનબીનમાં પરોવાયો હતો. બનાવ વિશે હાલતુરત અકસ્માત મોતનો ગુનો દાખલ કરાયો છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer