બંને શાર્પશૂટર ડાંગના સાપુતારા ખાતે ઝડપાયા ?

અમદાવાદ, તા. 16 (અમારા પ્રતિનિધિ તરફથી) : કચ્છ અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાલી હત્યા પ્રકરણમાં એટીએસને સૌથી મોટી સફળતા મળી છે. હત્યા કેસમાં સંડોવાયેલા બે શાર્પશૂટરોને એટીએઁસની ટીમ દ્વારા ડાંગના સાપુતારાથી  ઝડપી લેવામાં આવ્યા હોવાના અહેવાલ બહાર આવ્યા છે. નોંધનીય છે કે, 8 જાન્યુઆરીના કચ્છથી અમદાવાદ આવતા સમયે સયાજીનગરી એક્સપ્રેસમાં  જંયતી ભાનુશાલીની કેટલાક અજાણ્યા શખ્સો દ્વારા ફાયરિંગ કરીને હત્યા કરી દેવાઇ હતી. જે બાદ પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલ અને ભાનુશાલીની મહિલા મિત્ર મનીષા ગોસ્વામીનું નામ ચર્ચામાં આવ્યું હતું, સાથે મહારાષ્ટ્રના કેટલાક શાર્પશૂટરની સંડોવણી પણ સામે આવી હતી. જે બાદ આજે એટીએસની ટીમે ચાર દિવસથી ટ્રેક કર્યા બાદ હવે બે શાર્પશૂટરની ડાંગથી ધરપકડ કરાઇ હોવાનું સૂત્રોમાંથી માહિતી પ્રાપ્ત થઇ છે.  આ સમગ્ર ઓપરેશનથી ડાંગની પોલીસ પણ અજાણી હતી. આ બન્ને શાર્પશૂટરોને લઇ એટીએઁસની ટીમ ગાંધીનગર આવવા રવાના થઇ હોવાનું પણ જાણવા મળે છે. સૂત્રોમાંથી પ્રાપ્ત થતા અહેવાલ અનુસાર, આજે ડાંગ જિલ્લાના સાપુતારા ખાતે શનિ-રવિની રજા હોવાથી ભીડ જોવા મળી હતી તે સમયે સાંજે 5-45 વાગ્યાની આસપાસ ખાનગી કારમાં એટીએસના જવાનો સાપુતારાના સ્વાગત સર્કલ પાસે આવી પહોંચ્યા હતા અને સહેલાણીઓ ફરી રહ્યા હતા ત્યારે એટીએસના જવાનેએ બે ઇસમોને દબોચી લીધા હતા અને ત્યારબાદ એટીએસની બીજી ગાડીઓ પણ ત્યાં આવી જતાં તેઓને  એમાં બેસાડી દેવાયા હતા. એટીએસના અધિકારીઓએ તેમની ઓળખની ખાતરી કર્યા બાદ તેઓ શાર્પશૂટર હોવાનું જણાઇ આવ્યું હતું અને તેને લઇને તેઓ ગાંધીનગર તરફ રવાના થયા હોવાનું જાણવા મળે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ગુજરાત એટીએસ દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી શાર્પશૂટરને પકડવા માટે મથામણ કરી રહ્યા હતા અને છેલ્લા ચારેક દિવસથી ડાંગના સાપુતારા ખાતે લોકેશન ટ્રેક કર્યા બાદ સહેલાણીઓના સ્વાંગમાં ફરી રહેલા બે શાર્પશૂટરોને ઝડપી પાડયા હતા. એટીએસના આ સર્ચ ઓપરેશનથી ડાંગ પોલીસ પણ બેખબર રહી હતી.  ઉલ્લેખનીય છે કે, કચ્છ જિલ્લાના અબસાડાના ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાલીની સયાજીનગરીમાં ચકચારી હત્યા કેસ પોલીસ માટે એક પડકાર બની ગયો હતો. જે શાર્પશૂટરો હતો, તેની ઓળખ થઇ શકી નહોતી, ચર્ચા એવી હતી કે, શાર્પશૂટરો પરપ્રાંતીય હતા. તેને પકડવા કઇ રીતે તે એટીએસ માટે મૂંઝવણભર્યું બન્યું હતું અને અંતે એટીએસને સફળતા મળી હોવાનું જાણવા મળ્યું છે.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer